ભાવનગરઃ ધુળેટીમાં એકબીજાને રંગોથી રંગીને પર્વની ઉજવણી કરવામાં આવે છે. એક સમયે કેસુડાથી પણ ધુળેટી રમવાની પ્રથા હતી. કેસુડો ફાગણમાં ફોરમ ફેલાવતો હોય તેવા તેવા દ્રશ્યો મનોહર લાગે છે. તેમજ કેસુડાના ગુણો પણ માનવીઓ માટે ફાયદાકારક ગણાય છે. કેસુડો ક્યાં જોવા મળે છે, તેનું મહત્વ, તેમજ તેના ફાયદા વિશે વિગતવાર જાણીએ.
બજારમાં કેસુડાનું જૂજ પ્રમાણઃ કેસુડો બારેમાસ જોવા મળતો નથી. કેસુડો ફાગણ માસના પ્રારંભ બાદ બજારમાં જોવા મળતો હોય છે. ભાવનગરની મુખ્ય બજારમાં શાક માર્કેટ પાસે પાથરણા પાથરીને મહિલાઓ કેસુડાનું વેચાણ કરતી જોવા મળી રહી છે. કેસુડા વેચનાર રૈયાબેને જણાવ્યું હતું કે, અમે ભાવનગરના ખોખરા અને માળનાથ વિસ્તારમાંથી કેસુડો લાવીએ છીએ. હાલમાં 50 રુપિયાના બે પેકેટ એટલે કે અઢીસો ગ્રામ જેટલો કેસુડો વેચાય છે. દીપડા અને સાવજ ખોખરા વિસ્તારમાં હોવાને પગલે કેસુડો હવે બહુ માર્કેટમાં આવતો નથી. અમે પણ જંગલમાંથી કોઈ બેન કેસુડો એકત્ર કરીને વેચવા આવ્યા તેની પાસેથી ખરીદીને વેચીએ છીએ.
ગીરનોપટ્ટો કેસુડા માટે પ્રખ્યાતઃ ભાવનગરના આયુર્વેદિક વૈધ તેજસ દોશીએ જણાવ્યું હતું કે, કેસુડાના વૃક્ષ, પાંદડા સંપૂર્ણ વૃક્ષ ક્યાંકને ક્યાંક ઉપયોગી થાય એવું કુદરતે બનાવ્યું છે. કેસુડાને ખાખરો પણ કહેવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતનો ગીરનો જે પટ્ટો છે ખાખરા અને કેસુડાના ફુલો માટે ખૂબ પ્રખ્યાત છે.
આયુર્વેદિક મહત્વઃ આયુર્વેદિક વૈધ તેજસ દોશીએ જણાવ્યું હતું કે, કેસુડાના ફૂલમાં ઘણા ઔષધીય ગુણો છે. કેસુડાના ફૂલને રાત્રે પાણીમાં બોળીને સવારે આ પાણીથી સ્નાન કરવાથી ખૂબ જ લાભ થાય છે. કેસુડો ખૂબ જ ઠંડક વધારે છે. આ સાથે ચામડીના હઠીલા રોગોમાં પણ 3 બીજથી ઈલાજ કરવામાં અસરકારક છે. જો કે આ ઈલાજ સાયન્ટિફિક છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. આ ઉપરાંત ખાખરો કે જેનો ઉપયોગ જૂના જમાનમાં પ્રસાદ માટેના પાન બનાવવામાં થતો હતો. આ વૃક્ષ ફાગણ માસમાં સૌથી વધારે ગુલાબી થઈ જાય છે આ દ્રશ્ય અદભુત અને મનોહર હોય છે.