જૂનાગઢઃ હોળી અને ધુળેટીના તહેવારો સામે છે ત્યારે જૂનાગઢની સ્થાનિક બજારમાં વિવિધ પ્રકારની પિચકારી, કલર અને અન્ય સામગ્રીનું વેચાણ વધી રહ્યું છે. ઘણા વર્ષો પછી પ્રથમ વખત આ વખતે હોળી અને ધુળેટીના તહેવારોમાં ચાઈના બજાર પર મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સ ભારે પકડ જમાવતી જોવા મળી છે.
30%નો ભાવ વધારોઃ જૂનાગઢની બજારમાં હોળી-ધુળેટીની સામગ્રીમાં 30 %નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. રંગબેરંગી કલર, અવનવી ડિઝાઈન અને આકારની પિચકારીઓની સાથે ઈકો ફ્રેન્ડલી ગુલાલની પણ ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે.
2500 રુપિયા સુધીની પિચકારીઃ આ વર્ષે જૂનાગઢની બજારમાં 50થી લઈને 2500 સુધીની અવનવી ડિઝાઈન, આકાર અને કદની પિચકારીઓ બજારમાં જોવા મળે છે. જે સંપૂર્ણપણે સ્થાનિક ભારતની બજારમાં બનાવવામાં આવી છે. આ સિવાય હર્બલ ગુલાલની રેન્જ પણ બજારમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવી છે. જે હરિયાણા અને દિલ્હીના સ્થાનિક ઉત્પાદકો દ્વારા બનાવવામાં આવી છે. આ સિવાય આ વખતે પ્રથમ વખત મેટલમાંથી બનાવેલ ખૂબ નાના કદની પિચકારી પણ જોવા મળે છે.
સ્થાનિક ઉત્પાદનને કારણે ભાવો વધ્યાઃ પાછલા ઘણા વર્ષોથી તહેવાર અનુસાર સીઝનલ બિઝનેસ કરતા વેપારી સાગર કટારીયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે ચાઈનાનો માલ બિલકુલ બંધ છે. ભારતમાં ઉત્પાદિત ચીજ વસ્તુઓ બજારમાં આવવાથી કલર-પિચકારી સહિત તમામ ચીજ વસ્તુઓમાં 30 ટકા જેટલો ભાવ વધારો થયો છે. તે ગ્રાહકો માટે કદાચ માઠા સમાચાર હશે પરંતુ ભારતની અર્થવ્યવસ્થા અને ભારતની બજારોને મજબૂતાઈ મળે તેમજ સ્થાનિક ઉત્પાદકો અને રોજગારી આપતા સેક્ટર્સ માટે સારા ગણી શકાય.