ગાંધીનગર: આગામી બે ત્રણ દિવસમાં રાજ્યમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના અધિકારીઓએ આગામી બે ત્રણ દિવસ સુધી રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે પણ વિગતો મેળવી હતી.
કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાઓને પગલે આ જિલ્લાઓના કલેકટરોને એલર્ટ રહેવા સૂચના આપી હતી. તે ઉપરાંત નવસારી, વલસાડ, ડાંગ, પંચમહાલ તથા વડોદરા અને છોટા ઉદેપુર સહિતના વધુ અસરગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો સાથે તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે કોન્ફરન્સ દરમિયાન વાતચીત કરીને તેમના જિલ્લામાં નદીઓના પાણીનો આવરો, ટ્રાફિક નિયમન તેમજ નીચાણ વાળા વિસ્તારોના લોકોના કરવામાં આવેલા સ્થળાંતરની ઝીણવટ પૂર્વકની સમીક્ષા કરી હતી.
ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા સુચનાઓ આપી હતી. તેમણે સમગ્ર રાજ્યના જિલ્લા કલેકટરો અને વહીવટી તંત્રોને સંપૂર્ણ સજ્જતા સાથે ઝીરો કેઝ્યુઆલીટી અભિગમ અપનાવી સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમાર સહિત રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો NDRF હવામાન વિભાગના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.
મુખ્યમંત્રી સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર અને મ્યુન્સિપલ કમશનરને સ્પષ્ટપણે જણાવ્યું કે આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે હોવી જોઈએ.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રય યાદવએ જણાવ્યું કે, વેસ્ટ એમપી અને ઈસ્ટ રાજસ્થાનમાં ડીપ ડિપ્રેશર બનવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ડીપ ડિપ્રેશર સિસ્ટમને ધ્યાનમાં રાખીને આગામી બે દિવસોમાં ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્રીજા અને ચોથા દિવસે પણ ભારે વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ત્રણ દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. તેથી હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્રીજા અને ચોથા દિવસે વરસાદનું જોર થોડુ ઓછો થશે. આજે લગભગ દરેક જિલ્લામાં વરસાદની આગાહી છે. કચ્છ, દ્વારકા, જુનાગઢ, પોરબંદર, જામનગર, મોરબી સુરેન્દ્રનગર વગેરે જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને ઓરેન્જ એલર્ટ છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર અને હવેલી, તાપી, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ ભારે વરસાદની અને ઓરેન્જ એલર્ટ ની આગાહી છે.
આ પણ વાંચો: