અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ ચાલી રહી છે. આ દરમિયાન અમદાવાદમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેરના શાહીબાગ, મણિનગર, સાબરમતી, ચાંદખેડા, એસજી હાઈવે, જુહાપુરા, સરખેજ, એરપોર્ટ, પાલડી, આઈટી, ગોતા, સોલા, થલતેજ, ખોખરા, નવા નરોડા, અસારવા, વેજલપુર સહિતના મોટાભાગના વિસ્તારમાં ફરી એકવાર મેઘ મહેર શરૂ થતા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો.
અંડરપાસ કરાયો બંધ: ધીમીધારે વરસતા વરસાદમાં અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે પર વરસાદના લીધે ટ્રાફિકજામના દ્વશ્યો સર્જાયા હતા. રસ્તા પર પાણી ફરી વળતાં અનેક વાહનો બંધ પડી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. છેલ્લા એક કલાકમાં નરોડા, મેમકો અને સૈજપુરમાં 2 ઈંચ, વાડજ, ચાંદખેડા, ઓઢવમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં ભારે વરસાદને પગલે મીઠાખળી અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે.
2 દિવસ આટલા જિલ્લાઓમાં રહેશે ભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી અનુસાર, 15મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભરુચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં અતિભારે વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ખેડા, મોરબી, પાટણ, અરવલ્લી, જામનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ આખરે મેધરાજની પધરામણી થઈ ગઈ છે.