રાજકોટ: હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે નવરાત્રીના પાવન પર્વ પર દશેરાએ રાજકોટ જિલ્લાના તાલુકાઓ તેમજ જિલ્લામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
જેને લઈને દશેરાના તહેવાર પર પ્રાચીન, અર્વાચીન રાસ ગરબીના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે વરસાદ આવતા ગરબીઓને બંધ રખાઇ હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ: રાજકોટ જિલ્લાના ઘણા ખરા વિસ્તારોની અંદર દશેરા પર્વે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તેની સાથે ઉકળાટ અને ગરમીભર્યુ વાતાવરણ હતું. આ વાતાવરણની વચ્ચે દશેરાની રાત્રિના સમયે ઉપલેટા, ધોરાજી, ગોંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અને તાલુકાઓમાં મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે હવામાન વિભાગની આગાહીને પગલે ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
વરસાદના લીધે વાહનચાલકો પરેશાન: આ વરસાદના કારણે વાહનોચાલકોને વાહનો ચલાવવામાં હાલાકી પડી હતી અને આ સાથે જ રોડ રસ્તાઓ પર ધોધમાર વરસાદ બાદ વરસાદી પાણી વહેતા થયા હતા. રાજકોટમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે તડકો, ત્યારબાદ વાદળછાયું વાતાવરણ અને તેમની સાથે અસહ્ય બફારો અને ગરમી જોવા મળી હતી. આ ગરમી અને બફારા બાદ ગોંડલ અને ધોરાજી તાલુકામાં બપોર બાદ વરસાદની એન્ટ્રી થઈ હતી.
વરસાદને લીધે ગરબીઓ બંધ રખાઇ: જ્યારે ઉપલેટા શહેર તેમજ તાલુકા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના 7 વાગ્યા બાદ ધીમી ધારે વરસાદે એન્ટ્રી મારી હતી અને ધીમે ધીમે આ જ વરસાદે ગતિ પકડતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ વરસાદના કારણે પ્રાચીન તેમજ અર્વાચીન ગરબીઓના આયોજકોની ચિંતામાં વધારો થયો હતો અને ખેલૈયાઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા. જો કે વરસાદને કારણે ગરબીના આયોજકો તેમજ પ્રાચીન રાસ ગરબાના આયોજકોએ ગરબીમાં દશેરાની રાત્રીના તમામ આયોજન રદ કરી દીધા હતા.
ઉપલેટા શહેરની વીજળી ગુલ થઇ: વરસાદના વિરામ લીધા બાદ આગળનો નિર્ણય લેવાઈ શકે તેવી પણ માહિતી મળી રહી છે. જ્યારે ધોધમાર વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકા જોવા મળતા ઉપલેટા શહેરમાં વીજળી પણ ગુલ થઈ હતી. જો કે વીજળી વિભાગના તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી પણ હાથ ધરી હતી અને પુનઃવિજળી શરૂ કરાવી હતી.
આ પણ વાંચો: