બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ ત્રીજા રાઉન્ડમાં પાલનપુર ડીસા અંબાજી વડગામ સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે જોકે પાલનપુરમાં વહેલી સવારથી જ પડી રહેલા વરસાદને લઈને મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જ્યારે મફતપુરા વિસ્તારમાં અને ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જોકે એક તરફ મેઘ મહેર અને બીજી બાજુ સુન્ધાજી પર્વત પાસે ભારે વરસાદને પગલે ચાલ લોકો તણાયા હતા જેમાં એક વ્યક્તિનો જીવ ગયો હતો.
અંબાજી ખાતેના માર્ગ પર વાહનોને મુશ્કેલીઃ જ્યારે બીજી બાજુ વરસાદના પગલે પાલનપુર અંબાજી માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા છે. પાલનપુરથી અંબાજી જતા માર્ગ પર ધનિયાણા ચાર રસ્તા પાસે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે જ્યારે અંબાજીને જોડતો મુખ્ય માર્ગ હોઇ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. પાલનપુરમાં ધોધમાર વરસાદને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. બીજી બાજુ ડીસામાં પણ બે દિવસથી વરસાદી માહોલ રહેતા બજારો પણ મોડેથી ખુલ્યા હતા. સવારે 6:00 વાગ્યાથી શરૂ થયેલા વરસાદે 11:30 મિનિટે વિરામ લીધો હતો. જ્યારે બનાસકાંઠાના બાજુમાં આવેલ સુનધાજી પહાડ પર ભારે વરસાદના કારણે વહેતા પાણીએ ચાર લોકોને ખેંચી લેતા એકનું મોત થયું હતું અને ત્રણ લોકો ઘાયલ થયા હતા..
ડીસામાં ત્રીજા રાઉન્ડમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીઃ સમગ્ર રાજ્યમાં મેઘ મહેર વચ્ચે દિશામાં વરસાદની ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો પરંતુ ડીસા કોરૂ ધાકોર હતું. ત્યારે શનિવારે વહેલી સવારે સામાન્ય છાંટણાથી શરૂ થયેલો વરસાદ મુશળધાર બનતા સતત પાંચ કલાક સુધી અવિરત વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે શહેરના અનેક ભાગોમાં પાણી ભરાયું હતું. વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હોવાથી શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી રહી હતી જ્યારે બજારો પણ મોડે મોડે ખુલ્યા હતા. સવારે છ વાગ્યે શરૂ થયેલા વરસાદે 11:30 વાગે વિરામ લીધો હતો. પ્રથમ બે રાઉન્ડમાં નહીવત વરસાદ વચ્ચે ત્રીજા રાઉન્ડની શરૂઆત સારી રહેતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. જોકે ચાલુ વર્ષે હજુ સુધી બનાસકાંઠાના જળાશયો દાંતીવાડા અને સીપુ ડેમમાં પાણીની નહિવત આવક હોવાથી લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે. ગત વર્ષે ઓગસ્ટ માસમાં જ દાંતીવાડા ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે ડેમ હજુ 30 ટકા જેટલો જ ભરેલો છે. જેથી બનાસકાંઠા વાસીઓ ઉપરવાસમાં સારા વરસાદની ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.
સુન્ધાજી પહાડ પર ભારે વરસાદ, વહેતા પાણીમાં ખેંચાયા 4 વ્યક્તિઃ ન જાણ્યું જાનકી નાથે કે સવારે સુ થવાનું છે એ મુજબ ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા પણ કાલનું ચક્ર કંઈક અલગ જ ચાલતું હતું. સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયું સીડી પર નદીઓમાં ધોડાપુર વહેતા થયા ઝરણાં શરૂ થયા છે. જ્યાં ધોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને મેધારાજા મન મૂકી ને વરસી રહ્યા હતા. પરિણામે પહાડના પાણીની ત્રિવતા વધી ગઈ પરિણામએ આવ્યું કે ભક્તો ક્યાંક મંદિરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક ઘટના ઘટી જેમાં ચાર લોકો તણાઈ ગયા. જેમાં સ્થાનિકો તંત્ર અને સ્થાનિકોએ સાથે મળી બચાવ કામગીરી શરૂ કરાઈ પરિણામે ત્રણ લોકોનું રેસ્ક્યુ કરાયું અને એક મહિલાનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા ભક્તોમાં પણ દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી. સમગ્ર ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી નાખ્યું હતું. સ્થાનિક તંત્રએ રેસ્ક્યુ કરેલ ત્રણ લોકોને સારવાર અર્થે ખસેડ્યા હતા.
જિલ્લામાં આજે પડેલ વરસાદના આંકડાકીય માહિતીઃ વાવ 0 mm થરાદ 3 mm ધાનેરા 12 mm દાંતીવાડા 53 mm અમીરગઢ 6 mm દાતા 0 mm વડગામ 39 mm પાલનપુર 75 mm ડીસા 68 mm દિયોદર 10 mm ભાભર 8 mm કાંકરેજ 6 mm લાખણી 32 mm