જૂનાગઢ : ગતરાત્રીથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાની ધીમી ધારે એકધારું આગમન થયું છે. જેના પગલે જૂનાગઢ સહિત જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં એકથી સાત ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે. જેને પગલે રાત દરમિયાન વરસાદના પ્રમાણમાં વધારો થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
જમીન ત્યાં જળ : ગઈકાલ રાત્રિથી જ જૂનાગઢ જિલ્લાભરના વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો અને ધીમીધારે વરસાદ પડવાની શરૂઆત થઈ છે. આજે 24 કલાક પૂર્ણ થવા આવ્યા તેમ છતાં સતત અને અવિરત પણે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. જેને કારણે જૂનાગઢ સહિત જિલ્લાના અન્ય તાલુકાઓમાં જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે.
જિલ્લા કલેકટરની જનતા જોગ સૂચના : જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાએ અતિભારે વરસાદને પગલે લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે. અતિ ભારે વરસાદને કારણે માણાવદર, નરેડી, બોડકા, પીપલાણા, કોયલાણા, ધંધુસર, વંથલી, માણાવદર અને બાટવા વિસ્તારના કેટલાક ગામડાઓને જોડતા માર્ગ બંધ થયા છે. તેના વૈકલ્પિક વ્યવસ્થા રૂપે જિલ્લાના અધિકારીઓ સતત આ વિસ્તારમાં મોનિટરિંગ કરી રહ્યા છે. સાથે જ લોકોને સાવચેત રહેવા અને વરસાદના એલર્ટના પગલે ઘરની બહાર નહીં નીકળવાની સૂચના પણ આપવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : જૂનાગઢ જિલ્લામાં ગત રાત્રીથી શરૂ થયેલો વરસાદ આજે પણ અવિરત જોવા મળી રહ્યો છે. તે મુજબ આજે 20 કલાક દરમિયાન માણાવદરમાં 6.45 ઇંચ, વંથલીમાં 6 ઇંચ, જૂનાગઢમાં 5.05 ઇંચ, ભેસાણમાં 3.34 ઇંચ, વિસાવદરમાં 4.70 ઇંચ, મેંદરડામાં 5.31 ઇંચ, કેશોદમાં 6.10 ઇંચ, માંગરોળમાં 3.11 ઇંચ અને માળિયામાં 2.44 ઇંચ વરસાદ આજના દિવસે નોંધાયો છે. હજુ પણ વરસાદ સતત વરસી રહ્યો છે, તેને પગલે લોકોને સુરક્ષિત રહેવા અને આકસ્મિક સ્થિતિમાં વહીવટી તંત્રનો સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.