અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારની અંદર સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ પણ આગામી દિવસો માટે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હાલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
પશ્ચિમ વિસ્તારમાં વરસાદી વાદળો છવાયા: ગઈકાલની જેમ, સવારે 11:30 બાદ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી વાદળો છવાયા હતા અને 12 વાગતા સુધીમાં શહેરના રાણીપ, વાડજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાણક્યપુરી સહિતના વિસ્તારોમાં એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જો કે, 10 મિનિટના ધોધમાર વરસાદ બાદ વરસાદ ધીમો થઈ ગયો હતો.
પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો: જ્યારે પૂર્વ વિસ્તારમાં કાળા ડિંબાગ વાદળો ઘેરાયા હતા. પૂર્વમાં પણ ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. ત્યારે સતત બીજા દિવસે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરમાં ભરબપોરે 12 વાગ્યા બાદ આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે અને વાહન વ્યવહાર ખોરવાયો છે.
વીજળીના કડાકા સાથે ગાજવીજ વરસાદ પડ્યો: વીજળીના ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાસ પશ્ચિમ બાદ પૂર્વ વિસ્તારમાં પણ નરોડા, એરપોર્ટ, સરદારનગર, કોતરપુર, વિસત સર્કલ, ચાંદખેડા, ઝુંડાલ સર્કલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.