અમદાવાદ: પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ત્યારે અમદાવાદનાં ચાંદલોડિયા, ઘાટલોડિયા, રાણીપમાં વરસાદ પડ્યો હતો ત્યારે સોલા, એસજી હાઇવે, થલતેજમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.
ભૂવા પડવાની સમસ્યાથી લોકો પરેશાન: ક્યારેક રોડ પર ખાડા પડવા તો કયારેક ભૂવા પડવા આ બધી સમસ્યાથી સ્થાનિકો કંટાળી ગયા છે. સરદારનગરમાં પાણી ભરાતા સ્થાનિકો વાહનો લઈને પાણીમાંથી પસાર થઈ રહ્યાં છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, આ પાણી કયારે ઉતરશે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, દર વર્ષે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે આ વર્ષે પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે, કોર્પોરેશનનું તંત્ર હોય કે પછી ધારાસભ્ય કે કોર્પોરેટર હોય કોઈ અહીંયા જોવા આવતું નથી.
સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ જાય છે: અમદાવાદના સરદારનગરમાં સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. પાણીનો નિકાલ કરવા મૂકાયેલા ડિવોટરીંગ મશીન પણ બંધ હાલતમાં છે. મશીન મૂકેલું છે પણ તેમાંથી પાણી ખેંચાતુ નથી. જેના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. પાણી ભરાતા વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.
કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન પ્લાનની કામગીરી: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા કરોડો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી કરવામાં આવે છે. પરંતુ આ કામગીરી તો દેખાતી નથી. પરંતુ સ્થાનિકોના રૂપિયાનો ધૂમાડો થાય છે. ત્યારે મહત્વનું છે કે, જયારે જયારે વરસાદ પડે છે. ત્યારે શહેરમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાતી હોય છે. શું કોર્પોરેશન દ્રારા કરોડો રૂપિયા ખર્ચાય છે. તો પછી પાણી કેમ ભરાય છે. તે પણ એક સવાલ છે. અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં પણ અંડરપાસ બંધ કરવામાં આવે છે.
ગુજરાતમાં 79 તાલુકાઓમાં વરસાદ નોંધાયો: ગુજરાતમાં સવારે 6 થી 2 વાગ્યા સુધી 79 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બગસરામાં પોણા 4 ઇંચ વરસાદ, દહેગામમાં સવા 3 ઈંચ, નડીયાદમાં 3 ઇંચ, સાગબારામાં 3 ઇંચ, મહુધા, કપડવંજમાં અઢી ઇંચ, ઉમરપાડા અને કુકરમુંડામાં 2-2 ઇંચ, સોજીત્રામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. 14 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે 65 તાલુકાઓમાં સામાન્યથી 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.