જુનાગઢ: જુનાગઢ અને ગીર સોમનાથમાં આગામી 29 તારીખ સુધી હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે જેને પગલે કલેક્ટરો દ્વારા લોકોને સાવચેત રહેવા અને વરસાદમાં કોઈપણ મુશ્કેલ ભરી પરિસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક સાધવા અને લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. આજે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. આવતીકાલે પણ શરૂ થાય તેવી શક્યતાઓ નથી જેને પગલે જુનાગઢ જિલ્લાના અને ખાસ કરીને ઘેડ વિસ્તારના કેટલાક માર્ગોને બંધ કરવાનો નિર્ણય પણ વહીવટી તંત્ર દ્વારા કરાયો છે.
લોકોને સચેત રહેવા અપીલ: 29 તારીખ સુધી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની સાથે રાજ્યના 29 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેને પગલે જુનાગઢ અને સોમનાથ જિલ્લા કલેકટર દ્વારા લોકોને વરસાદની આ મુશ્કેલ ભરી પરિસ્થિતિમાં સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસી જવાની વિનંતી કરવામાં આવી છે.
29 તારીખ સુધી અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. આવી પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિએ જરૂરી અને આવશ્યક કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવું તેમજ આકસ્મિક સંજોગોમાં ઘરની બહાર નીકળતા પૂર્વે જિલ્લા વહીવટી તંત્રની કચેરીનો સંપર્ક કરીને કોઈપણ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવા માટે પ્રયાસ કરવો તેવી વિનંતી જુનાગઢ અને સોમનાથ કલેકટર દ્વારા લોકોને કરવામાં આવી રહી છે. અતિ ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારના કેટલાક ગામો કે જ્યાં સંભવિત પૂરનો ખતરો છે તેવા ગામોના માર્ગ તાત્કાલિક ધોરણે તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત: જુનાગઢ અને સોમનાથ જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ પહેલેથી જ ડિપ્લોઈડ કરી દેવામાં આવી છે. જામનગર, દ્વારકા, વડોદરા અને રાજ્યના અન્ય જિલ્લામાં જે રીતે વરસાદ પડી રહ્યો છે. તે પ્રકારનો વરસાદ જુનાગઢ કે સોમનાથ જિલ્લામાં પડતો નથી. જેને કારણે વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ હજુ પણ વરસાદનું રેડ એલર્ટ છે આવી પરિસ્થિતિમાં જો અતિ ભારે વરસાદ પડે તો પૂરનું સંકટ ઉભું થઈ શકે છે તેમાં એનડીઆરએસની ટીમનો ઉપયોગ કરીને પુરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ખાસ તૈયારી પણ રાખવામાં આવી છે.
પ્રભારી સચિવ અને પ્રધાનો એ કરી બેઠક: જુનાગઢ અને સોમનાથ જિલ્લાના પ્રભારી સચિવ અને પ્રધાનોએ કલેકટર કચેરીમાં જિલ્લાના ઊંચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક કરી હતી. જેમાં સંભવિત અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં કઈ રીતે કામ કરવું, વ્યવસ્થા તંત્ર ઊભું કરવું અને લોકોને સૌથી ઓછું નુકસાન થાય તે માટેના સૂચનોનું આદાન-પ્રદાન પણ કર્યું હતું. સોમનાથ માટે જેનું દેવાનન અને જુનાગઢ માટે બંછાનીધિ પાની પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કરાયા છે.
આ બંને ઉચ્ચ અધિકારીઓ જૂનાગઢ અને સોમનાથ જિલ્લાની મુલાકાત લઈ ચૂક્યા છે અને વરસાદની સ્થિતિમાં કામગીરીને લઈને અધિકારીઓને માર્ગદર્શન આપી રહ્યા છે, તો જૂનાગઢમાં પ્રભારી પ્રધાન કુવરજી બાવળિયાએ જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને સંભવિત સ્થિતિમાં કઈ રીતે કામ કરવું તેનું સંકલન રાજ્યની સરકાર સાથે ગોઠવીને લોકોને ઓછી મુશ્કેલી પડે તે માટે કામ કરવા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને તાકિદ કરી હતી.