તાપી: સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ તાલુકામાં પડેલા ભારે વરસાદની અસર બારડોલીમાં જોવા મળી હતી. બારડોલીથી પસાર થતી મીંઢોળા નદીમાં જળ સપાટી વધવાથી નીંચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઉપરવાસમાં પડેલા વરસાદની અસર: સુરત અને તાપી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લાના બારડોલી, મહુવા અને પલસાણા તાલુકા પણ વરસાદમાં તરબોળ થઈ ગયા છે. ઉપરવાસમાં એટલે કે, તાપી અને ડાંગ જિલ્લામાં પણ સતત વરસાદ થઈ રહ્યો હોવાથી તેની અસર જિલ્લાની નદીઓ પર જોવા મળી રહી છે.
લોકોનું સ્વયંભૂ સ્થળાંતર: તાપીના સોનગઢ અને અજુબાજુના વિસ્તારમાં થયેલા વરસાદને કારણે મીંઢોળા નદીનું જળસ્તર વધી ગયું છે. જેને કારણે બારડોલીથી ત્રણ વલ્લા જતા માર્ગનો લો લેવલ બ્રિજ બંધ કરી દેવો પડ્યો છે. એટલું જ નહીં મીંઢોળા નદીના કિનારે આવેલા કેટલાક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકોએ તેમના કિંમતી સામાન અને પશુઓ સાથે સ્વયંભૂ સ્થળાંતર કર્યું છે.
હાલ વરસાદે વિરામ લીધો: જો કે હાલ વરસાદે વિરામ લેતા બારડોલી તેમજ મહુવા તાલુકાના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બારડોલીમાં સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં 38 MM, પલસાણામાં 77 MM, મહુવામાં 53 MM ઉપરાંત ઓલપાડમાં 30 MM, માંગરોળમાં 66 MM, ઉમરપાડામાં 105 MM, માંડવીમાં 43 MM, કામરેજમાં 33 MM, ચોર્યાસીમાં 13 MM વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો: