જૂનાગઢ: સમગ્ર ગુજરાતમાં પ્રચંડ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. જેને લઈને રાજ્યમાં ગરમીની શક્યતાઓ અને તેના પ્રમાણને લઈને હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી 23 થી 25 મે સુધી ફરી એક વખત સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રચંડ મોજુ ફરી વળવાની સાથે રાજ્યના મોટાભાગના શહેરોમાં દિવસનું તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ફરી એક વાર આકરી ગરમી પડશે ગુજરાતમાં: સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનું પ્રચંડ મોજુ ફરી વળ્યુ છે. જેને કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં દિવસનું તાપમાન 43 થી 45 ડિગ્રી સુધી પહોંચી ગયેલું જોવા મળી રહ્યો છે તેમાં હવે આગામી ગુરુ, શુક્ર અને શનિ એમ 3 દિવસ સુધી ફરી એક વખત પ્રચંડ ગરમીના મોજામાં ગુજરાત સપડાતું જોવા મળશે. જૂનાગઢ હવામાન વિભાગ દ્વારા આ શક્યતાઓ ખાસ કરીને ગરમીના એલર્ટને લઈને વ્યક્ત કરવામાં આવી છે. તેના મુજબ 23 થી 25 મેના રોજ સમગ્ર રાજ્ય પર આકરી ગરમી પડશે. જેને કારણે દિવસનું તાપમાન 45 ડિગ્રી કે તેનાથી વધવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન વધવાની સાથે દિવસનું તાપમાન 45 કે 47 ડિગ્રી સુધી થવાની શક્યતાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ દિવસો દરમિયાન સરેરાશ તાપમાન 43 થી 44 ડિગ્રી હોઇ શકે તેને પણ ખૂબ વધુ માનવામાં આવે છે.
ઉત્તર તરફના પવનો ગરમી માટે કારણભૂત: સમગ્ર રાજ્યમાં આગામી ગુરુવાર, શુક્રવાર અને શનિવારે પણ રેકોર્ડ બ્રેક ગરમીની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેની પાછળ ઉત્તર તરફથી ફૂંકાઈ રહેલા સૂકા પવનોને કારણભૂત માનવામાં આવે છે. ઉત્તરીય પવનો સૂકા હોવાને કારણે તાપમાનમાં સતત વધારો થતો હોય છે. ત્યારે બીજી તરફ આ સમય દરમિયાન પશ્ચિમની વિક્ષોપની અસર પણ બિલકુલ નાબુદ થયેલી જોવા મળતી હોય છે. જેને કારણે પણ દિવસના તાપમાનમાં વધારો નોંધાઇ રહ્યો છે. સામાન્ય રીતે ગરમીનું જે પ્રમાણ હોય છે તે સતત બે દિવસ સુધી જળવાઈ રહે તેવી સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવતું હોય છે. જેમાં દિવસનું તાપમાન 40 થી લઈને 43 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે.
દિવસનું તાપમાન 45 ડિગ્રીની પાર: બીજી તરફ બે દિવસ કરતાં ગરમીનું પ્રમાણ વધારે દિવસો તરફ આગળ વધી શકે છે અને આ દિવસો દરમિયાન દિવસનું તાપમાન 43 થી લઈને 45 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવતું હોય છે. ત્યારબાદ ગરમીનું પ્રચંડ મોજું બે દિવસથી લઈને છ દિવસ સુધી સતત જોવા મળે અને આ દિવસો દરમિયાન દિવસનું તાપમાન 45 ડિગ્રી કે તેની પાર થતું જોવા મળે છે,એટલે આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવતું હોય છે. ત્યારબાદ દિવસનું તાપમાનમાં 6.5 ડિગ્રીના અસહ્ય વધારો થવાની સાથે દિવસનું તાપમાન 45 કે 47 ડિગ્રી સુધી થઈ શકે તેવી સ્થિતિમાં હીટવેવનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતું હોય છે.
જૂનાગઢના તાપમાનમાં વધારો: સતત ગરમીના વાતાવરણની વચ્ચે જૂનાગઢના તાપમાનમાં પણ દર વર્ષે દિવસ અને રાત્રીની ગરમીમાં વધારો થઈ રહ્યો છે આ વર્ષે દિવસ દરમિયાન 44.1 સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું છે. હજુ ગરમીના દિવસો બાકી છે આવી પરિસ્થિતિમાં દિવસનું તાપમાન હજુ પણ વધી શકવાની શક્યતાઓને નકારી શકાતી નથી. વર્ષ 2016-18 અને 19માં જૂનાગઢ શહેરનું દિવસનું તાપમાન 44.5 ડિગ્રી થી લઈને 44 ડિગ્રી સુધી નોંધાયું હતું. વર્ષ 2002માં જૂનાગઢ શહેરનું દિવસનું તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જે 35 વર્ષનું સૌથી વધારે તાપમાન માનવામાં આવે છે.