સુરત: પલસાણા તાલુકાના ખેડૂતોએ DGVCL કચેરી ખાતે વીજળીના મુદ્દે રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના દ્વારા નિશ્ચિત કરવામાં આવેલા સમય પ્રમાણે વીજળી મળે. કચેરી દ્વારા આ રજૂઆતને મંજૂરી અપાતા ખેડૂતો આભાર વ્યક્ત કરવા મોટી સંખ્યામાં ભૂતપોર જીઇબી કચેરી પહોંચ્યા હતા અને ગુલાબનું ફૂલ આપીને તેમણે અધિકારીઓનો આભાર માન્યો હતો.
ખેડૂતોએ કરેલી અરજી મંજૂર થઈ: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ધામડોદ, તુંડી, એના, મલેકપોર અને ઘલુડા ગામના ખેડૂતોએ ભેગા મળીને સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ ભૂતપોર DGVCL કચેરી ખાતે ખેતીની સિંચાઈ માટેની વીજળી સંપૂર્ણ દિવસ દરમિયાન મળતી ન થાય ત્યાં સુધી એક રોટેશન પ્રમાણે એટલે કે, સવારે 7 કલાકથી બપોરે 3 કલાક સુધી તેમજ બીજુ રોટેશન સવારે 11 કલાકથી સાંજે 7 કલાક સુધી આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આ માટે ખેડૂતોએ મોટી સંખ્યામાં હાજર રહી માંગણી કરી હતી. ત્યારબાદ GETCO અને DGVCLના એન્જીનીયરો દ્વારા આ બાબતનું આયોજન કરવાની ખાત્રી આપવમાં આવી હતી, અને થોડા દિવસમાં રોટેશનો ચાલુ કરી દેવાશે એમ જણાવતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
અધિકારીઓને ફૂલ આપી આભાર માન્યો: રવિવારથી માંગણી પ્રમાણેના કલાકોમાં વીજળી મળતા ખેડૂતો ભેગા થઇ સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલને ગુલાબનું ફૂલ આપવા પહોંચ્યા હતા, પરંતુ એમણે આ ફૂલ DGVCLના અધિકારીઓને આપવાનું ઠીક રહેશે એમ જણાવતા સૌ ખેડૂતોએ એમની વાતને સમર્થન આપી એમની સાથે DGVCLની ભૂતપોર ખાતેની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં સૌએ સ્થળ પર હાજર DGVCLના અધિકારીઓને ફૂલ આપી આભાર માન્યો હતો. અને ભવિષ્યમાં પણ આ જ રીતે સહકાર મળે એવી આશા પ્રગટ કરી હતી.
ખેડૂતોની સમસ્યાનો સુખદ ઉકેલ: પરિમલ ભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોને પૂરતી વીજળી અને રોટેશન બદલાય એ માટે થોડા દિવસ અગાઉ ખેડૂતો સાથે રજૂઆત કરવા કચેરી પહોચ્યા હતા. તે દરમિયાન અધિકારીઓએ અમને બાહેધરી આપી હતી કે, થોડા દિવસમાં આ હાલાકીમાંથી ખેડૂતોને છુટકારો મળશે. ત્યારે હાલ રોટેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવતા ખેડૂતો આભાર માનવા DGCVLની ઓફિસે પહોચ્યા હતા.