ગાંધીનગર: લાંબા સમય બાદ ગુજરાત માટે રાહના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં વરસાદનું જોર ઓછું થયું છે. ગત 24 કલાક દરમિયાન કચ્છના મુન્દ્રા તાલુકામાં સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ચાલુ સિઝનમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 111 ટકા યથાવત રહ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 179 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર 1.36mm જ નોંધાયો છે.
આ સમયગાળા દરમિયાન કચ્છના મુન્દ્રા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ એક ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે. જ્યારે, રાજ્યના કુલ 68 તાલુકામાં એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 થી 10 કલાક દરમિયાન રાજ્યના કોઇપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. આજે તારીખ 31 મી ઓગસ્ટ, 2024ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 111 ટકાએ યથાવત રહ્યો છે.
કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 179 ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 124 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 111 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 105 ટકાથી વધુ, જ્યારે ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 88 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.