ગાંધીનગર: રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ જૂનાગઢ શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
143 તાલુકામાં નોંધપાત્ર વરસાદ: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા માહિતી મુજબ, આજે 2 જુલાઇ 2024ના રોજ સવારે 6:00 કલાક પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 143 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં 32 તાલુકાઓ એવા છે કે જેમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાની માહિતી મળી છે.
18 તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ: આ ઉપરાંત કુતિયાણા, બગસરા, માંગરોળ, કોડીનાર, વાલોડ, દ્વારકા, ખાંભા, જામજોધપુર અને વલસાડ મળી કુલ નવ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ, જ્યારે ઓલપાડ સુરત શહેર, ભાણવડ, હાંસોટ, ગણદેવી, કામરેજ, જેતપુર, કાલાવડ, ઉપલેટા, રાણાવાવ, સુત્રાપાડા, માંડવી, કુકાવાવ, અંકલેશ્વર, જામનગર, ખેરગામ, વાપી અને વ્યારાને મળી કુલ 18 તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ જ્યારે ટંકારા, જામકંડોરણા, કપરાડા, જોડીયા, ધારી, ભરૂચ, હળવદ, પોરબંદર, ચીખલી, જેશર, જાફરાબાદ, સોનગઢ, ઉમરગામ, લાલપુર, ઉમરપાડા, માંગરોળ, અમરેલી અને ડોલવણ મળી કુલ 18 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના ૪૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય 39 તાલુકામાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાની માહિતી મળી છે.
કુલ સરેરાશ વરસાદ 17.85 ટકા: રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 17.85 ટકા નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્રમાં ઝોનમાં 28.82 ટકા, કચ્છમાં 25.10 ટકા, પૂર્વ-મધ્ય ઝોનમાં 10.96 ટકા અને ઉત્તર ગુજરાતમાં 9.16 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
- સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ: વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ અને જૂનાગઢ શહેરમાં 12 ઇંચ વરસાદ
- રાજ્યના 143 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ: 32 તાલુકામાં 4 ઇંચ થી વધુ વરસાદ
- રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 17.85 ટકા: સૌરાષ્ટ્રમાં ઝોનમાં 28.82 ટકા વરસાદ