અમદાવાદ: હાલ રાજ્યમાં શિયાળો વિદાય તરફ છે. જેના પરિણામે લોકો બેવડી ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાવાને કારણે ગરમીમાં ઘટાડો થવાની સંભાવના જણાવી છે. જેથી આગામી 3 દિવસ ઠંડીમાં વધારો થશે. હવાની દિશા બદલાતી હોવાથી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. આગામી 5 દિવસ માટે સૂકું વાતાવરણ રહેશે અને 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે.
અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ સિવાય નલિયા 13 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યુ છે. પાલનપુર 14 ડિગ્રી, ભાવનગર 19 ડિગ્રી, રાજકોટ 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાવાને કારણે ગરમીમાં ઘટાડો નોંધાશે.
માર્ચમાં માવઠાની સંભાવના: માર્ચ મહિનાની શરૂઆત ગરમીથી થશે. પરંતુ તારીખ 7,8 અને 9 માર્ચ ત્યાર બાદ 11થી 14 તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે. ગરમીના કારણે અરબ સાગરનો આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના રહેશે. માર્ચ મહિનાના પ્રથમ પંદર દિવસમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે કમોસમી વરસાદ પડશે.
કચ્છના ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે. બનાસકાંઠામાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેશે. જ્યારે ક્યાંક-ક્યાંક છાંટા પણ પડી શકે છે.