ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રના આજે ત્રીજા અને અંતિમ દિવસની શરૂઆત પ્રશ્નોત્તરીથી થશે. સરકારે ચર્ચાથી બચવા માટે CAG રિપોર્ટ અંતિમ દિવસે વિધાનસભામાં રજૂ કરવાની પરંપરા જાળવી રાખી છે. CAG રિપોર્ટ અને ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્તીની ચર્ચા દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે આવે તેવી સંભાવના છે.
ચોમાસુ સત્રનો અંતિમ દિવસ : ગુજરાતમાં કચ્છ, વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં દરિયા કિનારેથી છેલ્લા 15 દિવસમાં આશરે 850 કરોડનું ડ્રગ્સ પોલીસ દ્વારા પકડવામાં આવ્યું છે. તેને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ડ્રગ્સની હેરાફેરી અટકાવવા રાજ્ય સરકારે લીધેલા પગલાં અંગે ગૃહને જાણ કરવામાં આવશે. આ ઉપરાંત ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરવા માટે ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક 2024 ગૃહમાં રજૂ કરવામાં આવશે. બોર્ડ નિગમોના હિસાબો પણ વિધાનસભા મેજ પર મૂકવામાં આવશે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક પણ ગૃહમાં રજૂ કરશે.
- સરકાર CAG રિપોર્ટ રજૂ કરશે
વિધાનસભા ચોમાસુ સત્રના અંતિમ દિવસે સરકાર CAGનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરશે. દહેજ સેઝ લિમિટેડનો વર્ષ 2022-23 નો વાર્ષિક અહેવાલ, હિસાબ, ઓડિટ અહેવાલ, ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણી, કંપનીની કામગીરી અંગેની સમીક્ષા તેમજ આ અહેવાલ સભા ગૃહના મેજ ઉપર મૂકવામાં થયેલા વિલંબ અંગેના કારણો દર્શાવતું નિવેદન ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત કરશે.
ગુજરાત ઘેટા અને ઉન વિકાસ નિગમ લિમિટેડ, ગુજરાત ડેરી વિકાસ નિગમ ગુજરાત રાજ્ય આઠ શાળા અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ, ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ, કામધેનુ યુનિવર્સિટી, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ગુજરાત રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમ, ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના આગળના બાકી રહેલા વર્ષના વાર્ષિક અહેવાલ અને હિસાબ ઓડિટ અહેવાલ અને સીએજીની ટિપ્પણી અને અહેવાલો સભાગૃહના મેજ પર મૂકવામાં આવશે.
વિધાનસભા સમિતિઓના અહેવાલ રજૂ થશે : વિધાનસભા સત્રના અંતિમ દિવસે ગૌણ વિધાન સમિતિના પ્રથમ અહેવાલ, અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના બીજા અહેવાલ, અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની સમિતિના ત્રીજો અહેવાલ, સભાગૃહની બેઠકમાં સભ્યોની ગેરહાજરી બાબતે સમિતિનો અહેવાલની રજૂઆત તથા જાહેર હિસાબ સમિતિના બીજા અહેવાલની રજૂઆત ગૃહમાં થશે.
- ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક, 2024
ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક, 2024 બિલ પસાર થઈ ગયા બાદ ભ્રષ્ટાચારમાં લિપ્ત અધિકારીઓની મિલકત જપ્ત કરવાનો માર્ગ મોકળો થશે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની પોલીસ તપાસમાં જવાબદાર અનેક અધિકારીઓની સંડોવણી ઉપરાંત અપ્રમાણસર મિલકત પર બહાર આવી છે. હવે સરકાર ભ્રષ્ટ બાબુઓની અપ્રમાણસર મિલકતોને કબજે કરવા નવો કાયદો લાવવાની છે. જેમાં અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ થતા જ સરકાર તમામ સંપત્તિ જપ્ત કરી શકશે.
સરકારી અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની અસંખ્ય ફરિયાદો મળી છે. આવા અધિકારીઓ અનેક કિંમતી જમીન-ફાર્મ હાઉસમાં રોકાણ કરતા થઈ ગયા છે. આવા અધિકારી સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા બાદ તેમની અપ્રમાણસર મિલકત જપ્ત કરવા માટે લાંબી કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. આ બિલ પાસ થયા બાદ એક વખત કેસ દાખલ થયા પછી તરત જ સરકાર કથિત અપ્રમાણસર મિલકત જપ્ત કરી શકશે. તેમજ તેની જામીન માટે પણ આકરા નિયમો આવશે.
ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિજયક : રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા ગૃહમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક રજૂ કરશે. આ ઉપરાંત છેલ્લા દિવસનો પ્રસ્તાવ નિયમ 102 અંતર્ગત અમિત ચાવડા ગુજરાતમાં સામાજિક ન્યાય માટે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરશે.