અમદાવાદ : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નિવેદન બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષ આમને સામને આવ્યા છે. હાલમાં જ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડનો બનાવ પણ બન્યો હતો. આ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોલીસ વિભાગ અને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા હતા.
- રાહુલ ગાંધીની વાત સાચી છે, એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું : શક્તિસિંહ ગોહિલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, દેશની સંસદમાં લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ કેટલો મહાન અને ઉત્તમ છે, એ અંગે વાત કરી હતી. હિંસક માણસ ક્યારેય હિન્દુ ના હોઈ શકે. શંકરાચાર્યએ પણ કહ્યું કે, રાહુલ ગાંધીની વાત સાચી છે. જેથી ભાજપના પેટમાં તેલ રેડાયું અને તેમણે અડધો વીડિયો ચલાવ્યા. ભાજપે જે કર્યું એ ભગવાન શિવનું અપમાન છે, તમામ ધર્મનું મૂળ માનવતા છે.
- ભાજપે શિવજીનું અપમાન કર્યું, શિવભક્ત ભાજપને માફ ન કરે : શક્તિસિંહ ગોહિલ
રાહુલ ગાંધીએ શિવજી દર્શન કરવાની પોતાની વાત કરી હતી. ડરો નહીં અને ડરાવો નહી. હિંસક માર્ગ હિન્દુનો હોય શકે નહીં. ભાજપ મત માટે હિંસા કરી રહ્યા છે. રાહુલ ગાંધીની વાત બાદ ભાજપે ડરથી હિંસા માર્ગ અપનાવ્યો છે. ભગવાન શ્રીરામે પણ લંકા ચડાઈ કરી, ત્યારે મહાદેવની પૂજા કરી હતી. ભાજપે જે કર્યું તે શિવજીનું અપમાન છે. હું અપીલ કરીશ કે કોઈપણ શિવભક્ત ભાજપને માફ ન કરે.
- લડાઈ વિચારધારાની હોય, ભાજપે ગુજરાતની અસ્મિતાની ખંડન કર્યું : શક્તિસિંહ ગોહિલ
લડાઈ વિચારધારા, સિધ્ધાંતની હોઈ શકે. કોઈ પાર્ટી ઓફિસમાં પહોંચી તોડફોડ કરવી ગુજરાતની પરંપરા નથી રહી. લડાઈ હંમેશા વિચારધારાની હોય છે. ક્યારેય કોઈ રાજકીય પાર્ટીએ બીજી રાજકીય પાર્ટી ઓફિસમાં તોડફોડ કરી નથી. ભાજપ આ પ્રકારનું કૃત્ય કરીને ગુજરાતની અસ્મિતાની ખંડન કર્યું છે. કોંગ્રેસ ઓફિસના ચોકીદારની પ્રેગ્નન્ટ દીકરી પર પણ ભાજપના લોકોએ હુમલો કર્યો. બપોરની ઘટના બાદ પણ પોલીસે સાંજની ઘટના થવા દીધી.
- પોલીસે ભાજપના ગુંડાઓને મદદ કરવાનું કામ કર્યું : શક્તિસિંહ ગોહિલ
ગોતા-ઘાટલોડિયાના ભાજપના ગ્રુપમાં 4 વાગ્યે હુમલો કરવાના મેસેજ ફરતા થયા હતા. આવી ઘટના બનવાની છે, તેથી પૂરતો બંદોબસ્ત રાખવા એલિસબ્રિજ પોલીસ સ્ટેશન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને કોંગ્રેસ તરફથી જાણ કરાઈ હતી. પોલીસે ભાજપના ગુંડાઓને મદદ કરવાનું કામ કર્યું. સેલ્ફ ડિફેન્સ એ કાયદાએ આપેલો અધિકાર છે. પોલીસ અધિકારી વાળંદની બાજુમાં ઉભા રહી ભાજપના ગુંડાઓ પથ્થર મારી રહ્યા છે, પોલીસ અધિકારી ડંડો ફટકારી પથ્થરબાજી રોકી શકતા હતા.
- હજી સુધી ફરિયાદ નહીં, પણ માત્ર અરજી લેવામાં આવી : શક્તિસિંહ ગોહિલ
પોલીસની ફરિયાદમાં એક પણ ભાજપ નેતાના નામ નથી. કોંગ્રેસની બે હિન્દુ મહિલાઓના નામ પોલીસ ફરિયાદમાં છે. કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરનાર લોકો વીડિયો વાયરલ કરી રહ્યા છે. વિડિયો વાયરલ થયા બાદ પણ પોલીસ દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી ? સૂત્રોચ્ચાર બાદ પથ્થરમારો ભાજપના લોકો શરૂ કર્યો હતો. નવો કાયદો બહુ સ્પષ્ટ છે કે, ફરિયાદી પહોંચે તો તેની ફરિયાદ લેવી જોઈએ. કાયદા મુજબ FIR લેવી ફરજિયાત છે. તેમ છતાં કોંગ્રેસના નેતાઓને કલાકો સુધી બેસાડવામાં આવ્યા છે. હજી સુધી ફરિયાદ નહીં, પણ માત્ર અરજી લેવામાં આવી છે.
- પોલીસને વિનંતી કે ભાજપના રવાડે ન ચડે : શક્તિસિંહ ગોહિલ
શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું કે, અમદાવાદના પોલીસ કમિશનરની છાપ સારા અધિકારી તરીકેની છે. પોલીસ અધિકારીઓએ કોંગ્રેસના ડીટેન થયેલા નેતાઓના નામ ભાજપને આપ્યા છે. કોઈની પણ પ્રિમાઈસીસમાં વોરંટ વગર ઘૂસવાનો પોલીસને અધિકાર નથી. પોલીસને વિનંતી કે ભાજપના રવાડે ન ચડે. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગ કરે છે. કોંગ્રેસના કાર્યકરો કોઈ ગુન્હેગાર નથી, જેથી તેમની સાથે માનવીય વ્યવહાર થવો જોઈએ.
- શક્તિસિંહ ગોહિલની મોટી જાહેરાત...
પોલીસ અને ભાજપ કોંગ્રેસને નિઃસહાય ન સમજે. કોંગ્રેસ અન્યાય સહન નહીં કરે, કોંગ્રેસના કાર્યકર બબ્બર શેર છે. જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. જો પોલીસ દ્વારા નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેના જવાબમાં 6 જુલાઈએ કોંગ્રેસ કાર્યકરો પ્રદેશ કાર્યાલયથી રસ્તા પર ઉતરશે અને જેલભરો સુધીનો કોલ આપવામાં આવશે. અમે ઇચ્છતા તો રથયાત્રાના દિવસે પણ આ કોલ આપી શકતા હતા. પરંતુ રથયાત્રાના પાવન પર્વમાં ભાવિ ભક્તોને તકલીફ ન પડે તે માટે કોંગ્રેસ પક્ષ 6 જુલાઈના રોજ કાર્યક્રમ યોજશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ગુજરાત પ્રદેશ કાર્યાલય આવવા માટે વિનંતી કરી છે. થોડા દિવસોમાં રાહુલ ગાંધી પ્રદેશ કાર્યાલયમાં કાર્યકરોને મળવા માટે આવશે. શિવભક્ત ગુજરાતીઓ ભાજપને ઓળખી ગયા છે. 2027 માં ગુજરાત ભાજપને જવાબ આપશે.