ગાંધીનગર : લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે આચારસંહિતા લાગુ પડે તે પહેલાં ગુજરાત સરકારે મોટાપાયે ગુજરાત પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો કર્યાં છે. ચૂંટણીઓને લઇને થતી બદલીઓની શ્રેણીમાં આ વધુ એક નિર્ણય સામે આવ્યો છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા 65 ડીવાયએસપી અને 8 આઈપીએસ ઓફિસરોની બદલીઓ કરવામાં આવી છે. આજ રોજ તેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ડીવાયએસપી અને આઈપીએસ બદલીઓમાં વિસ્તાર અને વિભાગની જરુરિયાત પ્રમાણે બદલી કરવા માટે ઉચ્ચ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ દ્વારા સૂચનો ધ્યાને લેવામાં આવ્યાં બાદ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.
પાંચ અધિકારીની નિમણૂક બાકી : ગુજરાત સરકાર દ્વારા જારી કરાયેલા જાહેરનામાં મુજબ ડીવાયએસપી અધિકારીઓની બદલીઓ સાથે પ્રોબેશનરી આઈપીએસ ઓફિસરની નિમણૂકના ઓર્ડર પણ સામે આવ્યાં છે. ગુજરાત પોલીસ તંત્રમાં 8 પ્રોબેશનરી આઈપીએસનો આ સાથે ઉમેરો થઇ રહ્યો છે. જોકે ગુજરાત સરકારે જાહેર કરેલી યાદીમાં રાજ્યના પાંચ પ્રોબેશનરી આઈપીએસની નિમણૂક બાકી રાખવામાં આવેલી પણ જોઇ શકાય છે.
8 આઈપીએસ કોણ : રાજ્યના ગૃહવિભાગે બહાર પાડેલી યાદીમાં જે 8 આઈપીએસની નવી નિમણૂક કરાયેલી સામે આવી છે તેમાં વલય વૈદ્યને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે સાવરકુંડલામાં મૂકાયાં છે. અંશૂલ જેનને મહુવામાં લોકેશ યાદવને રાજપીપળામાં, ગૌરવ અગ્રવાલને બોડેલી, સંજય કેશવાલાને મોડાસામાં વિવેદ ભેડાને સંતરામપુરમાં, સાહિત્યા વી.ને પોરબંદરમાં અને સુબોધ માનકરને દિયોદરમાં નિમણૂક આપવામાં આવી છે.
અમદાવાદમાંથી કોની બદલી થઇ : 2012ની બેચના 65 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને નિમણૂક આપવામાં આવી છે તેમાં હૈદરાબાદ પોલીસ એકેડેમી ખાતે તાલીમ પુરી કરનારા 65 ડીવાયએસપીને અલગ અલગ જિલ્લાઓમાં ફરજ સોંપવામાં આવી છે. ગૃહ વિભાગના પાંચ ડીવાયએસપી વેઇટિંગ લિસ્ટમાં રખાયાં છે. અમદાવાદના ડીવાયએસપી મિલાપ પટેલ, સાયબર ક્રાઇમના ડીવાયએસપી જીતુ યાદવ તેમ જ અન્ય એક ડીવાયએસપીની અમદાવાદ શહેરમાંથી અન્યત્ર બદલી કરવામાં આવી છે. સાયબર ક્રાઇમના ડીવાયએસપી તેમજ અન્ય ડીવાયએસપીની પણ બદલી જોવા મળી છે.