ગાંધીનગર: ભારતમાં કઈ કાલે એટલે કે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીની મત ગણતરી કરવામાં આવી હતી અને સૌ જેની રાહ જોઈ રહ્યા હતા કે કોણ વિજેતા રહેશે તેની રાહનો અંત આવ્યો હતો. ભાજપ ફરી એક વાર જીત્યું છે અને અને સરકાર બનાવશે. તો અહી એક નજર કરીએ કે લોકસભા ચૂંટણીનું આ પરિણામ શું કહે છે.
દેશમાં ભાજપના વળતા પાણી: દેશમાં ભાજપના ફાળે 292 બેઠકો મળી છે. જે 2019ની સરખામણીએ 59 બેઠકો ઓછી છે. દેશના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં ધાર્યા કરતાં ઓછી બેઠકો અને દક્ષિણના રાજ્યમાં ભાજપને નહીંવત સફળતા મળી છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ભાજપે 26 પૈકીની 25 બેઠકોમાં વિજય પ્રાપ્ત કરીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.
આયાતી ઉમેદવારો ભાજપને ફળ્યા: 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને આયાતી ઉમેદવારોએ સ્થાનિક સ્તરે વિરોધ અને ઓછો સહકાર છતાં વિજય પ્રાપ્ત કર્યો છે. રાજ્યસભાથી નિવૃત થયેલા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાને પોતાના અમરેલી જિલ્લા કરતાં રાજકોટથી, મૂળ ભાવનગરના કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાને પોરબંદરથી, દિલ્લી રહેતા પણ વલસાડથી ઉભા રહેલા ધવલ પટેલ ભાજપ માટે 2024ની લોકસભા ચૂંટણી જીત્યા છે.
કોંગ્રેસ-આપનું ગઠબંધનને સફળતા ન મળી: રાજ્યની 26 પૈકી 24 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ થયો. જેમાં કોંગ્રેસે બનાસકાંઠાની એક જ બેઠક જીતી. જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીને કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધન અન્વયે બેઠક ફાળવી. જે અન્વયે ભરુચ અને ભાવનગર એમ બંને બેઠકો પર આમ આદમી પાર્ટીનો ભાજપ સામે પરાજય થયો છે. આમ આદમી પાર્ટી 2024માં પણ ગુજરાતમાં લોકભા ચૂંટણીમાં ખાતુ ખોલાવી શકી નથી.
ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની અસર: રાહુલ ગાંધીએ યોજેલી ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના સાત જિલ્લાથી પસાર થઈ હતી. જેમાં દાહોદ થી લઇ બારડોલી લોકસભા બેઠકના મતક્ષેત્ર પર તેની અસર થઈ હતી. હજારો લોકો રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા હતા. પણ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરુચ, બારડોલી બેઠક પૈકી એક પણ લોકસભા બેઠક પર કોંગ્રેસ જીતી શકી નહીં.
નરેન્દ્ર મોદીની જાહેરસભાથી હારની બાજી જીતમાં પલટી: ગુજરાતમાં ક્ષત્રિય વિરોધ અને ભાજપ સામેના આક્રોશ સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્થાપના દિવસ 1 મે અને 2 મેના રોજ જાહેરસભા કરી, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ અને જામનગર ખાતે જાહેર સભાઓ સંબોધી હતી. ચાર બેઠકો પરની જાહેરસભા પૈકીની ફક્ત બનાસકાંઠા બેઠક જ ભાજપે ગુમાવી છે. જ્યારે સાબરકાંઠા, આણંદ અને જામનગર જેવી 2024માં ભાજપ માટે જોખમી સાબિત થઈ શકે એવી બેઠકો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરસભાથી હારની બાજી જીતમાં પલટી છે.
પાંચ લાખના માર્જિનથી વિજયના ધ્યેય હાંસલ ન થયો: ભાજપ રાજ્યની 26 બેઠકો ઓછામાં ઓછા પાંચ લાખના વિજયી માર્જિનથી જીતવા સાથે ચૂંટણીમાં ઉતરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પાંચ લાખના માર્જિનથી તમામ બેઠકો પર વિજયી થવાનો ટાર્ગેટ આપ્યો હતો. પણ રાજ્યની 25 પૈકી 4 બેઠકો પર જ વિજયી માર્જિન પાંચ લાખ કરતા વધુ મતોનો હાંસલ થયો છે. જ્યારે પાટણ અને બનાસકાંઠા બેઠક પર વિજયી માર્જિન ઓછું રહ્યું છે.
આંતરિક વિખવાદ છતાં ભાજપે 25 બેઠકો મેળવી: ભાજપે રાજ્યની 26 પૈકી 25 લોકસભાની બેઠકો મેળવી છે. ભાજપ 26 બેઠકો મેળવીને ક્લીન સ્વીપની હેટ્રીક મેળવી શક્યુ હોત, પણ વર્ષ 2024ના આરંભથી જ ભાજપમાં સુરતથી તદ્દન વિરુદ્ધ સૌરાષ્ટ્ર અને સહકારી રાજકારણના મુદ્દે વડોદરા અને બનાસકાંઠામાં આંતરિક વિખવાદ હતો. જેના કારણે બનાસકાંઠા, આણંદ, વડોદરા, રાજકોટ અને સાબરકાંઠામાં પક્ષ અને સંગઠન વચ્ચે સમન્વયના પ્રશ્નો રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પક્ષના આંતરિક વિખવાદ અને અસંતોષના કારણે અવાર-નવાર ગુજરાત આવવું પડ્યુ હતુ. આંતરિક વિખવાદ છતાં ભાજપે 26 પૈકીની 25 બેઠકો મેળવીને ગુજરાત પર પોતાનું પ્રભુત્વ છે એ સાબિત કર્યું છે.
ક્ષત્રિય સમાજનો રોષ, આંદોલન અને વિરોધની અસર નહિ: ચૂંટણીમાં ઉમેદવાર જાહેર થયા બાદ રાજકોટના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપલાએ ક્ષત્રિય સમાજ અંગે વિવાદીત નિવેદન કર્યા બાદ ભાજપ વિરોદ્ધ ક્ષત્રિય સમાજનો રોષ, આંદોલન અને વિરોધ વધ્યા હતા. પક્ષના ક્ષત્રિય નેતાઓ પણ આ વિવાદથી દૂર રહ્યા હતા. પહેલી વાર ભાજપ સામે ગુજરાતમાં મોરચો મંડાયો હતો. આશા હતી કે ઼, સાત ટકા મતદારો ધરાવતા ક્ષત્રિય સમાજ ભાજપને સાત બેઠકો પર નુકસાન કરશે. પણ ક્ષત્રિય સમાજના વિરોધ અને આંદોલનમાં બિન નેતૃત્વ થતાં તેની અસર ઓછી થતી ગઈ. ભાજપે રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, અમરેલી, આણંદ, અને સાબરકાંઠા જેવી ક્ષત્રિય સમાજ અસર કરી શકે એવી બેઠકો પણ જીતી છે. તો કોળી સમાજ અંગે પણ રાજ્યના મંત્રીએ વિવાદીત નિવદેન કરતા વિરોધ થયો હતો. પણ એ આંદોલન સ્વરુપ ન લેતા કોળી મતદારોની બહુમતી ધરાવતી બેઠકો પર નકારાત્મક અસરો થઈ નહીં.
ભાજપ પર રાજ્યની ચાર બેઠકો હારવાનું જોખમ હતુ: 2024માં ભાજપે ઉમેદવાર તરીકે નવા ચહેરા આપીને સૌને ચોકાવી નાંખ્યા હતા. તો સામે કોંગ્રેસે પહેલાની ચૂંટણી કરતાં પ્રમાણમાં ભાજપને પડકાર આપી શકે એવા ઉમેદવારોને પસંદ કર્યા હતા. ભાજપે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, આણંદથી અમિત ચાવડા, વલસાડથી અનંત પટેલ, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, સાબરકાંઠાથી ઼ડો. તુષાર ચૌધરી જેવા લડાયક ઉમેદવારોને પસંદ કર્યા હતા. જે છેક સુધી ચૂંટણી જંગને રસપ્રદ બનાવી શકે છે. 2024માં કોંગ્રેસ ચાર બેઠકો જીતી શકે એવી લોકચર્ચા જામી હતી, જેમાં બનાસકાંઠા, જામનગર, આણંદ, અમરેલી અને વલસાડની બેઠકોનો સમાવેશ થાય છે. પરિણામના દિવસ સુધી ભાજપ ચાર બેઠકો ગુમાવે એવી આશા હતી. પણ મતગણતરીના દિવસે પાટણ બેઠક પર છેવટ સુધી રોમાંચ રહયો, તો બનાસકાંઠા પર કટોકટ છતાં ગેનીબહેન ઠાકોરનો વિજય થયો. પ્રદેશ પ્રમુખે પણ ભાજપે બનાસકાંઠાની એક બેઠક ગુમાવવાનો અફસોસ વ્યક્ત કર્યો છે.
આયાતી ઉમેદવારો ભાજપને ફળ્યા: 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને આયાતી ઉમેદવારોએ સ્થાનિક સ્તરે વિરોધ અને ઓછો સહકાર છતાં વિજય પ્રાપ્ત કર્યો છે. રાજ્યસભાથી નિવૃત થયેલા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાને પોતાના અમરેલી જિલ્લા કરતાં રાજકોટથી, મૂળ ભાવનગરના કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાને પોરબંદરથી, દિલ્લી રહેતા પણ વલસાડથી ઉભા રહેલા ધવલ પટેલ ભાજપ માટે 2024ની લોકસભા ચૂંટણી જીત્યા છે.
મહિલા ઉમેદવારોનો દબદબો: 2024માં ભાજપે ભાવનગર, સાબરકાંઠા અને બનાસકાંઠાથી મહિલા ઉમેદવારોને ચૂંટણીમાં ઉતાર્યા હતા. જેમાં બનાસકાંઠાના રેખાબેન ચૌધરીને બાદ કરતાં ભાવનગરથી પૂર્વ મેયર નીમુ બેન બાંભણિયા, સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા વિજયી થયા છે. તો કોંગ્રેસના વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો પાતળી બહુમતીથી રેખાબેન ચૌધરી સામે વિજય થયો છે.
ભાજપની હેટ્રીક પર ગેનીબેન ઠાકોરે મારી બ્રેક: 2024ની લોકસભા ચૂંટણીમાં દેશમાં સુરત બેઠકને બિનહરીફ બનાવી પ્રધાનમંત્રીને ભાજપની પ્રથમ લોકસભા બેઠક આપનાર ગુજરાતમાં ભાજપની સળંગ હેટ્રીક ક્લીન સ્વીપને કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે અટકાવી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનું સ્વપ્ન સળંગ 26 બેઠકો જીતી, ક્લીન સ્વીપની હેટ્રીક બનાવવાની હતી, જે સફળ થઈ નહીં.