ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. કનુ દેસાઈ દ્વારા સન 2024 નું વિધેયક ક્રમાંક 13 અને સન 2024 નું ગુજરાત માલ અને સેવા વેરા (GST) સુધારા વિધેયક વિધાનસભામાં રજૂ થશે. તે ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાત નશાબંધી સુધારા વિધેયક 2024 ગૃહમાં રજૂ કરશે.
પ્રશ્નોત્તરીના મુખ્ય મુદ્દા : ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રના બીજા દિવસે પ્રથમ પ્રશ્નોત્તરી થશે. બાદમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ 2022-23 નો વાર્ષિક અહેવાલ, હિસાબ, ઓડિટ અહેવાલ રજૂ કરવામાં આવશે. ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાર્ષિક અહેવાલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.
રાજ્ય બાંહેધરી અધિનિયમ : સન 1963 ના ગુજરાત રાજ્ય બાંહેધરી અધિનિયમ અન્વયે નાણાકીય વર્ષ 2023 - 24 દરમિયાન રાજ્ય સરકારે જે તે સંસ્થા વતી આપેલી બાંહેધરીનું વિગતો દર્શાવતું પત્રક 1, બાંહેધરી આપનારની રુએ જે તે સંસ્થા વતી સરકારે નાણાકીય વર્ષ 2023 -24 દરમિયાન ચૂકવેલ રકમની વિગતો દર્શાવતું પત્રક 2, બાંહેધરી આપનારની રુએ જે તે સંસ્થા વતી સરકારે ચૂકવેલ રકમ પૈકી નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન જે તે સંસ્થાથી વસૂલ કરેલ વસુલાતની વિગત દર્શાવતું પત્રક 3 વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.
અંદાજ સમિતિનો અહેવાલ : આ સાથે અંદાજ સમિતિનો ચોથો અહેવાલ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિનો પ્રથમ અહેવાલ અને જાહેર સાહસો માટેની સમિતિનો ચોથો અહેવાલ રજૂ કરવામાં આવશે.
જપ્ત વાહનોની હરાજી થશે : વિધાનસભા ગૃહમાં દારૂ અને ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજી અંગેના કાયદા રજૂ કરાશે. ગુજરાત નશાબંધી અધિનિયમ, 1949 ની કલમ 98 ની પેટા-કલમ (2) ની જોગવાઈ અનુસાર કોઈ કેફી પદાર્થ, ભાંગ-ગાંજો, મહુડાના ફૂલો વગેરે લઈ જતા વાહનો અને જપ્ત થયેલ દારૂનો જથ્થો નિયમોથી ઠરાવ્યા પ્રમાણેના જથ્થા કરતા વધુ હોય, ત્યારે કોર્ટના આખરી ચુકાદા સુધી બોન્ડ અથવા જામીન પર તેને મુક્ત કરી શકાશે નહીં. આ રીતે જપ્ત થયેલા વાહનો પોલીસ સ્ટેશનમાં અથવા કોર્ટ કમ્પાઉન્ડમાં લાંબો સમય સુધી પડ્યા રહે છે. આ સંજોગોમાં વાહનોની સ્થિતિ બગડી જાય છે. આ પરિસ્થિતિને હલ કરવા માટે રાજ્ય સરકારને સદરહુ પેટા-કલમ (2) સુધારવાનું જરૂરી જણાયું છે. જેથી કરીને હરાજી મારફતે આવા વાહનોનો નિકાલ કરી શકાય છે.