અમદાવાદ: ગુજરાતી સાહિત્ય જગતમાં જેમનું નામ ખુબ જ આદરથી લેવાઈ છે તેવા ઈતિહાસકાર અને લેખક મકરંદ મહેતાનું 93 વર્ષની વયે નિધન થયું છે. તેમણે 20થી વધુ પુસ્તકો લખ્યા છે, તેમના નિધનથી સાહિત્યજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મકરંદ મહેતાએ અંગ્રેજી અને ગુજરાતીમાં 20થી વધુ પુસ્તકો લખ્યા છે આ ઉપરાંત તેમણે સામાજિક અને આર્થિક ઈતિહાસ પર પણ ઘણાં શોધપત્રો પ્રકાશિત કર્યા છે.
મહત્વપૂર્ણ છે કે ઈતિહાસકાર અને લેખક મકરંદ મહેતાનો જન્મ 25મી મે 1931ના રોજ અમદાવાદના એક નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, પેન્સિલ્વેનીયા યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. મકરંદ મહેતા ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઑફ સાયન્સિસમાં ઇતિહાસ વિભાગનું નેતૃત્વ કર્યું હતું. તેઓ ગુજરાત સમાચાર, ગુજરાત ઈતિહાસ પરિષદ, ગુજરાત વિદ્યાસભા અને દર્શક ઈતિહાસ નિધિ સહિત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમના પત્ની ડો.શિરીન મહેતા પણ ઈતિહાસકાર છે.
હાલમાં જ આવેલી ફિલ્મ મહારાજ જેના પર આધારીત છે તે કરસનદાસ મૂળજી વિશે પણ મકરંદ મહેતા અને અચ્યુત યાજ્ઞિકે ખુબ જ અસરદાર પુસ્તક લખ્યું છે. કરસનદાસ મૂળજીની સાર્ધ શતાબ્દિ નિમિત્તે તેમના જીવન વિશે તૈયાર કરેલી નમૂનેદાર પુસ્તિકામાં મકરંદ મહેતા અને અચ્યુત યાજ્ઞિકે નોંધ્યું છે કે 'ઑગસ્ટ 1852ના ‘રાસ્ત ગોફ્તાર’માં કરસનદાસનો પહેલો લેખ ‘બાપદાદાઓની ચાલ’ (એટલે કે, જૂના વખતથી ચાલ્યા આવતા રિવાજ) વિશેનો હતો. તેમાં વીસ વર્ષના કરસનદાસે ‘મારા પ્યારા દેશીઓ’ને ઉલ્લેખીને સ્પષ્ટતા કરી છે કે આપણી ખરાબ રૂઢિ કાઢીએ અને અંગ્રેજોની સારી રૂઢિ દાખલ કરીએ તો તેમાં અંગ્રેજોની નકલ કરી છે, એવું ન ગણાય. ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’માં પણ તેમણે આવી રહેલા સુધારા અને વર્તમાન બદીઓ વિશે નિબંધો વાંચવાનું શરૂ કર્યું''.
વરિષ્ઠ પત્રકાર ગૌરાંગ જાનીએ ફેસબુક પર સ્વ મકરંદ મહેતાને શ્રદ્ધાંજલિ પાઠવતી પોસ્ટ કરી છે અને તેમની સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા છે. તેમણે લખ્યું કે, 'ગણતરીના દિવસો પૂર્વે જ ઇતિહાસકાર પ્રોફેસર મકરંદ મહેતાને તેમના નિવાસસ્થાને મળવાનું થયું .કરસનદાસ મૂળજી વિશેની પુસ્તિકાના સહલેખક પુસ્તિકાની સંવર્ધિત આવૃત્તિ જોઈ ખૂબ રાજી થયા .તેઓ નવું શું લખી રહ્યા છે તેની વિગતે વાતો કરી.આજે એક વિદ્વાન અને આજીવન અભ્યાસુ એવા મકરંદ ભાઈ આપણી વચ્ચે નથી રહ્યા .ખૂબ વંદન અને સલામ સાહેબ'
તેમના પુસ્તકોમાં ધ અમદાવાદ કોટન ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી: જેનેસિસ એન્ડ ગોર્થ, અર્બનાઈઝેશન ઈન વેસ્ટર્ન ઈન્ડિયા: એ હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ, બિઝનેસ હાઉસિસ ઈન વેસ્ટર્ન ઈન્ડિયા: અ સ્ટડી ઈન એન્ટરપ્રેન્યોરિયલ રિસોપૉન્સ 1850-1956 જે સહ લેખકીય યોગદાન છે, મહેતા પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી લેખન શૈલી સાથે સંકળાયેલા રહ્યા હતાં તેઓ પોતાના એક-એક પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે 12-12 કલાક કામ કરતા હતાં.