અમદાવાદ: વર્ષ 2002 સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપી 59 કારસેવકોના મોત થયાં હતાં. આ કેસના મુખ્ય આરોપી ફારૂક મોહમ્મદ ભાણાએ ગુજરાત હાઇકોર્ટમાં પોતાના પિતાની માંદગીના કારણોસર કામ ચલાઉ જામીન માંગી હતી, આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંજીવ ઠાકરે સુનાવણી કરતા ફારૂક મહંમદ ભાણાની જામીન અરજીને ફગાવી દીધી હતી.
ગોધરાકાંડનો મુખ્ય આરોપી છે ફારૂક ભાણા: ઉલ્લેખનીય છે કે ગોધરાકાંડની તપાસ કરનાર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સીટના કેસ મુજબ ફારૂક મોહમ્મદ ભાણા આ કેસનો મુખ્ય કાવતરાખોર હતો. આ ઘટનાના 14 વર્ષ પછી એટીએસ દ્વારા 2016માં તેની ધરપકડ કરવામાં આવી હતી અને ગોધરા નગરપાલિકાના પૂર્વ નગર સેવક ફારુક ભાણાને ગોધરાકાંડ કેસમાં જન્મટીપની સજા પણ કોર્ટ દ્વારા ફટકાયેલી છે.
હાઈકોર્ટે જામીન અરજી ફગાવી: ફારુક ભાણાએ હાઇકોર્ટમાં કામચલાઉ જામીન અરજી દાખલ કરી હતી તેમાં તેણે જણાવ્યું હતું કે તેમના પિતા 95 વર્ષના છે અને તેઓ કિડની સંબંધિત બીમારીની તકલીફો થી પીડાતા હોય તેમની સારવાર માટે કામ ચલાઉ જામીન આપવામાં આવે, પરંતુ હાઇકોર્ટે એમની જામીન અરજીને રિજેક્ટ કરી દીધી હતી, જેની પાછળ એક કારણ એ પણ છે કે આ વર્ષે જ ફારૂક ભણાને આઠ દિવસ માટે જામીન આપવામાં આવ્યા હતાં.