ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં CCEની પરીક્ષા લેવામાં આવી હતી. જાહેરાત ક્રમાંક 212/ 2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની 21 કેડરની 5554 જગ્યા પર ભરતી કરવા માટે જાહેરાત આપવામાં આવી હતી, જેમાં 5,19,820 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. 1 એપ્રિલ 2024થી દરરોજ ચાર શિફ્ટમાં કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી ગ્રુપ A અને ગ્રુપ Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે જણાવ્યું હતુ કે, લોકસભાની સામાન્ય ચૂંટણીની આદર્શ આચારસંહિતાને કારણે છ દિવસ સુધી પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી. ત્યારબાદ ગુજરાતમાં મતદાન પૂર્ણ થતા ફરીથી પરીક્ષા શરૂ કરવામાં આવી હતી. 20 મે 2024ના રોજ આ પરીક્ષાઓ સંપન્ન થઈ છે. ગેરરીતિનો એક પણ બનાવ બન્યો નથી. કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. ગ્રુપ Aની 1,926 અને ગ્રુપ Bની 3,628 જગ્યા ભરતી કરવાની છે. હવે પછી ગ્રુપ A અને ગ્રુપ B માટે મેન્સ પરીક્ષા લેવામાં આવશે. કુલ 3,40,867 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આમ, 66% ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે.
સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગ્રુપ Bની મેન્સ પરીક્ષા: ગ્રુપ Bમાં 25,400 ઉમેદવારોને તક મળશે જ્યારે ગ્રુપ Aની પરીક્ષામાં 13,500 ઉમેદવારો પરીક્ષા આપશે. આ પરીક્ષાની પ્રોવિઝન આન્સર કી બનાવવા માટે સૂચના આપી દેવામાં આવી છે. 30 જૂન સુધી માહિતી સ્પષ્ટ થશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ગ્રુપ Bની મેન્સ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ગ્રુપ Bની પરીક્ષાનું વિગતવાર સલેબસ મંડળની વેબસાઈટ પર મૂકી દેવામાં આવ્યો છે. 200 માર્કની એમસીક્યુ પ્રકારની પરીક્ષા હશે. 120 મિનિટમાં ઉમેદવારે પેપર પૂર્ણ કરવાનું રહેેેશે. તેવી જ રીતે, ગ્રુપ Aના વર્ણનાત્મક પ્રકારના ત્રણ પેપરો છે, ઉમેદવારે ત્રણ પેપર આપવાના છે. તેમજ ગ્રુપ Bનો પણ વિગતવારમાં સિલેબસ મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવ્યો છે.
પરીક્ષાનું પરિણામ 30 જૂને: વર્ગ-3ની 5554 જગ્યાઓ પર ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જોક હવે નવી અપડેટ (CCE Exam Update) સામે આવી છે, તે મુજબ આ પરીક્ષાનું પરિણામ 30 જૂન આસપાસ જાહેર થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, હસમુખ પટેલે આ અંગે માહિતી આપી છે.
હસમુખ પટેલેનું નિવેદન: ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે જણાવ્યું છે કે, ગ્રુપ A અને ગ્રુપ B માટેની સંયુક્ત પ્રિલીમરી પરીક્ષાઓ 20 મેના રોજ પૂર્ણ થઈ હતી. 1લી એપ્રિલથી 20 મે સુધીના 19 દિવસોમાં 71 શિફ્ટમાં પરીક્ષા લેવાઈ હતી. 30 જૂન આસપાસ પ્રિલીમરી પરીક્ષાનું પરિણામ જાહેર થઈ શકે છે. પરિણામ બાદ મેરીટમાં આવનારા ઉમેદવારી મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. નોંધનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં 66 ટકા ઉમેદવારો હાજર રહ્યા હતા.