જુનાગઢ: સતત પડી રહેલા વરસાદ અને ત્યારબાદ ભાદર ઓજત અને મધુવંતી નદીમાં આવેલા ભયાનક પુરને કારણે આ વર્ષે ચોમાસામાં સતત બીજી વખત ઘેડાના ગામો જળબંબાકાર બન્યા છે. વિપરીત પરિસ્થિતિમાં મધુવનતી નદીનું પાણી ભાદરમાં જવાની જગ્યા પર ભાદર નદીનું પાણી ઘેડ વિસ્તારને જળબંબાકાર કરી રહ્યું છે. જેને કારણે લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે.


ચોમાસામાં બીજી વખત ઘેડ જળબંબાકાર: જુનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતો ઘેડ વિસ્તાર આ વર્ષે ચોમાસામાં સતત બીજી વખત જળબંબાકાર બની રહ્યો છે. પાછલા દિવસો દરમિયાન જુનાગઢ પોરબંદર અને રાજકોટ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે વરસાદી પૂરનું પાણી ઓજત, મધુવંતી અને ભાદર નદીમાં થઈને ઘેડ વિસ્તારને જળબંબાકાર કરી રહ્યું છે. એક મહિના પૂર્વે જ ઘેડ ચોમાસુ પૂરની આ સ્થિતિમાંથી બહાર આવ્યું હતું ત્યારે આજે ચોમાસામાં બીજી વખત ઘેડ જળ બંબાકાર બન્યું છે. જેને કારણે અહીંના સ્થાનિક લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. પોરબંદર તરફથી આવતું વરસાદનું પાણી મધુવંતી નદીમાં થઈને ભાદર નદીને મળતું હોય છે, પરંતુ આ વખતે વિપરીત પરિસ્થિતિમાં મધુવંતી નદીનું પાણી ભાદર નદીને મળવાની જગ્યા પર ભાદર નદીનું પાણી ઘેડ વિસ્તાર તરફ આગળ વધ્યું છે. જેને કારણે પોરબંદર અને જુનાગઢ જિલ્લાનો સમગ્ર ઘેડ વિસ્તાર ફરી એક વખત જળબંબાકાર બન્યો છે.


મુશ્કેલીમાં સ્થાનિક લોકો અને પશુધન: અતિ ભારે વરસાદને કારણે ઘેડ ના મોટાભાગના ગામો અને પશુધન ખૂબ જ મુશ્કેલીમાં ફસાઈ ગયેલા જોવા મળે છે. અચાનક આવેલા પૂરને કારણે પશુઓનો ચારો વરસાદી પાણીમાં સદંતર પલડી ગયો છે. જેને કારણે આગામી દિવસોમાં પશુઓના ચારાને લઈને પણ માલધારીઓ અને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે, તો બીજી તરફ આ વિસ્તારમાં ચોમાસુ દરમિયાન થતી ખેતીમાં મગફળીની સાથે કઠોળના પાકને પણ ખૂબ નુકસાન થયું છે. કમર ડૂબ પાણીમાં લોકો જીવન વ્યતીત કરી રહ્યા છે. પાછલા 48 કલાકથી આ જ પરિસ્થિતિ ઘેડના કડછ પાડોદર સહિત મોટાભાગના ગામોમાં જોવા મળે છે, પરંતુ હજુ સુધી અહીં સ્થાનિક સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારની મદદ પહોંચાડવામાં આવી નથી. જેને કારણે પણ ગામ લોકોમાં ભારે રોષ જોવા મળે છે.