ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુણ ચકાસણી રિપોર્ટ અને પૂરક પરીક્ષા અંગે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે, ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2024 ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ પ્રવાહ અને સંસ્કૃત મધ્યમા પ્રવાહની પરીક્ષાનું પરિણામ ગત 9 મેના રોજ જાહેર થયું હતું. સાથે જ ધોરણ 10 માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2024 નું પરિણામ 11 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.
ગુણચકાસણી રિપોર્ટ ચેક કરો : ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાના પરિણામ બાદ ગુણ ચકાસણી માટે નિયત સમયમર્યાદામાં મળેલ અરજીઓની ચકાસણીની પ્રક્રિયા કરવામાં આવી હતી. તેના અંતે થયેલ આખરી સુધારામાં Change/No Change દર્શાવતો રિપોર્ટ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન મૂકવામાં આવ્યો છે. અરજી કરેલ ઉમેદવારે પોતાનો રિપોર્ટ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા hsc.gseb.org પરથી 11 જૂનથી 21 જૂન સુધીમાં તેમના દ્વારા કરવામાં અરજીની વિગતો (Seat Number, Mobile Number અને Password) એન્ટર કર્યા બાદ લોગ-ઈન થઈ ઓનલાઇન ડાઉનલોડ કરવાના રહેશે.
નવા ગુણપત્રક : ઉપરાંત ગુણ ચકાસણી બાદ જે વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો થયો હોય તે વિદ્યાર્થીઓના ગુણપત્રક/પ્રમાણપત્ર સંબંધિત શાળાઓને મોકલી આપવામાં આવશે. શાળાઓએ આ ગુણપત્રક/પ્રમાણપત્ર સંબંધિત વિદ્યાર્થીઓને આપીને તેમની પાસેથી અગાઉ મળેલી ગુણપત્રક/પ્રમાણપત્ર પરત મેળવી બોર્ડની કચેરીના ક-1 શાખામાં જમા કરાવવાના રહેશે.
પૂરક પરીક્ષા માટેની પ્રોસેસ : આ સાથે જ ગુણચકાસણી બાદ જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં અનુત્તીર્ણ રહેતા હોય અને પૂરક પરીક્ષાને પાત્ર થતા હોય તેવા વિદ્યાર્થીઓના બેઠક નંબર અને નામ સાથેની યાદી શાળાના લેટરહેડ પર તૈયાર કરવાની રહેશે. બાદમાં જો ભરવાપાત્ર હોય તો જરૂરી પરીક્ષા ફીનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવી, જરૂરી દસ્તાવેજો સાથે મદદનીશ સચિવના નામે રજિસ્ટર્ડ પોસ્ટથી અથવા રૂબરૂમાં 21 જૂન સુધીમાં મોકલી આપવાના રહેશે.
ઓનલાઇન પ્રોસેસ : સરકાર દ્વારા કન્યા અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપી હોવાથી તેમની ફી લેવાની થતી નથી, પરંતુ પૂરક પરીક્ષા માટે આવેદનની વિગતો મોકલવી ફરજિયાત છે. શાળાના આચાર્ય, વાલી તથા તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી જરૂરી છે કે, ઉમેદવારોએ ગુણ ચકાસણી રિપોર્ટ ફક્ત ઓનલાઇન માધ્યમથી જ ડાઉનલોડ કરવાના રહેશે. શાળા કે વિદ્યાર્થીઓને જવાબ ટપાલ દ્વારા મોકલવાની પદ્ધતિ અમલમાં નથી.