ભાવનગર: શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં ધોળા દિવસે બે સગા ભાઈઓ ઉપર ધડાધડ ફાયરિંગની ઘટના ઘટી છે. બે સગા ભાઈઓ ઉપર અન્ય બે શખ્સો ફાયરિંગ કરીને નાસી ગયા છે. જો કે ફાયરિંગની ઘટનામાં ભોગ બનનાર બે ભાઈ પૈકી એક ભાઈનું મૃત્યુ નીપજત્તા ડીએસપી સહિતનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થળ ઉપરથી પોલીસને બંદૂકની કાર્તિઝ મળી આવી છે. આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
વિઠ્ઠલવાડીમાં બન્યો ફાયરીંગનો બનાવ: ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં બપોરના 4.30 કલાકની આસપાસ બે સગા ભાઈઓ ઉપર ફાયરિંગની ઘટના ઘટી હતી. જેમાં એકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. બનાવ બાદ ડીએસપીનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ડીએસપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, વિઠ્ઠલવાડીમાં બનાવ સ્થળે કુલદીપસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઝાલા બે સગા ભાઈઓ સાથે રાહુલ વેગડ નામનો વ્યક્તિ માથાકૂટ કરતો બનાવ વાળા સ્થળ ઉપર આવ્યો હતો. આ સમયે રાજુ વેગડ નામનો વ્યક્તિ પણ રાહુલ સાથે બનાવ સ્થળે હતો. ત્યાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા. જેમાંથી કુલદીપસિંહ ઝાલાનું મૃત્યુ નીપજ્યું છે. ત્યારે ઋતુરાજસિંહ ઝાલા ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવારમાં છે.
મામા ભાણાએ એક સાથે કોના પર કર્યું ફાયરિંગ: વિઠ્ઠલવાડીની ફાયરિંગની ઘટનામાં ડીએસપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ રાહુલ વેગડ નામનો શખ્સ કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ સાથે બોલાચાલી કરતા ઘટના સ્થળે આવ્યા બાદ તેની સાથે રાજુ વેગડ નામનો પણ શખ્સ હતો, જેમાં રાજુ વેગડે પ્રાથમિક તપાસમાં ફાયરિંગ કર્યું હોવાનુ જાણવા મળી રહ્યું છે. જો કે સ્થળ ઉપરથી બંદૂકની ગોળીને ખાલી ત્રણ કાર્તિઝ મળી આવી છે. જો કે બનાવ પાછળનું કારણ સામે આવ્યું નથી અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જો કે આ બંને શખ્સો આગળ પાછળ એક જ શેરીના રહેવાસી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનાની ઊંડી તપાસ બાદ કારણ શું હતું તે સામે આવશે.