ભાવનગરઃ ભાવનગર શહેર અને જિલ્લામાં ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામ બાદ વિદ્યાર્થીઓમાં આનંદ છે. ETV BHARATએ સામાન્ય પ્રવાહમાં 99.99 પર્સનટાઈલ લાવનાર વિદ્યાર્થીની સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં શહેરની બી એમ કોમર્સ શાળાની વિદ્યાર્થીની તનિષ્કાએ પોતે કરેલ મહેનત અને તેણીને મળેલ પરિવાર અને શાળાના સહકાર વિશે જણાવ્યું હતું.
4 વિષયમાં 100 ગુણઃ ભાવનગરની તનિષ્કા દેસાઈ શહેરની બી એમ કોમર્સ શાળાની વિદ્યાર્થીની છે. ધોરણ 12માં સામાન્ય પ્રવાહની પરીક્ષા આપ્યા બાદ તનિષ્કા ટોપર્સમાં સ્થાન પામી છે. ETV BHARATએ તેની સાથે વાતચીત કરી હતી. જેમાં તનિષ્કાએ જણાવ્યું હતું કે, મારે 10મા ધોરણમાં માત્ર 1 કે 2 ગુણ માટે A1 ગ્રેડ આવતા રહી ગયો હતો. મેં નિશ્ચય કર્યો કે મારે A1 લાવવો છે એટલે સખત મહેનત કરી હતી. મને માતા-પિતાનો ખૂબ સહકાર મળ્યો છે. શાળાનું વાતાવરણ અને ટયુશન ક્લાસીસના સહકારે મને A1 ગ્રેડ મેળવવામાં મદદ કરી છે. હું શાળા અને ટ્યુશનમાં કરેલ અભ્યાસનું રોજ રિવિઝન કરતી હતી. મારે એકાઉન્ટ, બીએ, એસપી અને ઈકો એમ 4 વિષયમાં 100માંથી 100 છે. આગળ મારે CA કરવું છે.
શું કહે છે તનિષ્કાના પિતા અને શાળાના આચાર્ય?: તનિષ્કાની સફળતા સંદર્ભે ETV BHARATએ તેણીના પિતા પંકજભાઈ અને આચાર્ય સાથે વાતચીત કરી હતી ત્યારે તેના પિતા પંકજભાઈ જણાવ્યું હતું કે, હું 66 કે સરદારનગર એસએસમાં કોન્ટ્રાકટ બેઝ પર જોબ કરું છું. મારી દીકરી વિશે એટલું જ કહેવાનું છે કે તેણી ખૂબ પ્રગતિ કરે. તેણીએ 10મા પછી ખૂબ મહેનત કરી છે અને શાળા ટ્યુશનમાં ખૂબ મહેનત કરાવતા હતા. જયારે બી એમ કોમર્સ શાળાના ઈન્ચાર્જ આચાર્ય હિતેશભાઈ પારેખે જણાવ્યું હતું કે, અમારી શાળામાંથી તનિષ્કા દેસાઈ છે તે 99.99 પર્સનટાઇલ સાથે પાસ થઈ છે. અમારી શાળામાં 27 વિદ્યાર્થીઓ છે જે A1 ગ્રેડમાં પાસ થયા છે.
ભાવનગર જિલ્લાનું પરિણામઃ રાજ્યના જાહેર થયેલા વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે ભાવનગર જિલ્લાનું પરિણામ સામે આવ્યું છે. ભાવનગર જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાનું પરિણામ 89.72 ટકા આવ્યું છે. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં A1- 43, A2- 525,B1 -1319, B2 -1551 વિદ્યાર્થી નોંધાયા છે. સામાન્ય પ્રવાહમાં 95.54 ટકા પરિણામ જિલ્લાનું આવ્યું છે. જેમાં A1-413, A2-3035 ,B1-4399, B2-3884 વિદ્યાર્થી નોંધાયા છે.