છોટા ઉદેપુર : કવાંટના સફાઈ કામદારના પુત્રએ ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 99.24 પર્સન્ટાઈલ મેળવીને કવાંટનું નામ રોશન કર્યું છે. કવાંટ ગ્રામ પંચાયતમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા પ્રવિણભાઈ વાલ્મીકીના પુત્ર હિતેશે એ ઉક્તિ સાર્થક કરી છે કે મજબુત મન ધરાવતો માણસ હિમાલયને પણ ડગાવી શકતો નથી.
સફાઇ કામદાના ધેર હરખના તેડાં : ક્વાંટ ગ્રામ પંચાયતમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈના પુત્ર હિતેશ ક્વાંટ ઈંગ્લીશ હાઈસ્કૂલમાં ધોરણ 12માં બોર્ડની પરીક્ષામાં 700માંથી 640 માર્કસ મેળવીને છોટાઉદેપુર જિલ્લામાં 91.42 ટકા સાથે બીજા ક્રમે રહ્યો હતો. કાચા ઝૂંપડામાં રહેતો આ હિતેશ માત્ર 12 બાય 12ની જગ્યામાં પરિવાર સાથે રહી ભણે છે. કોઇ જ સુવિધાઓ વિનાના ઝૂંપડામાં રહીને કવાંટ તાલુકામાં પ્રથમ અને જિલ્લામાં દ્વિતીય નંબર મેળવ્યો છે. તેની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં તેના માતાપિતા હિતેશને પેટે પાટા બાંધી આગળ અભ્યાસ કરાવે છે.
આર્થિક સ્થિતિને લઇ ચિંતા : હિતેશના પરિવાર કરતાં ક્યાય સારું જીવન જીવતાં પરિવારો પણ બાળકોને સારા અભ્યાસક્રમોમાં ભણાવવામાં મુશ્કેલી અનુભવતાં હોય ત્યારે હિતેશના માતાપિતાના મનમાં કેટવી ચિંતા હોઇ શકે તે સમજવું અઘરું નથી. શિક્ષણના વર્તમાન વ્યાપારીકરણને કારણે સારા પરિવારના બાળકોને પણ ભણવામાં કેટલી મુશ્કેલી પડે છે, ત્યારે હિતેશ જેવા વિદ્યાર્થીઓને આગળ ભણવા માટે ક્વોટામાંથી કેટલો દૂર કરવો પડે છે અને તેનો ખર્ચ ક્યાંથી કાઢવો તેની ચિંતા પણ આ પરિવારને છે.
પિતાની ચિંતા અને નિર્ણય : સંઘર્ષ સાથે સફળતા મેળવાનાર વિદ્યાર્થીના પિતા પ્રવીણ વાલ્મીકીએ જણાવ્યું હતું કે હું હિતેશને આગળ ભણાવવા માટે વિવિધ જાણકાર લોકો પાસેથી માર્ગદર્શન લઉં છું. મારી આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી છે, પણ મારો પુત્ર અભ્યાસ અને સંગીતમાં ખૂબ જ હોશિયાર છે, મારો દીકરો 12માં જિલ્લામાં બીજા નંબરે છે. અમે તેનો અભ્યાસ વધુ આગળ કરાવવા માંગીએ છીએ. ધોરણ 10માં પણ મારી છોકરીએ 70 ટકા મેળવ્યા અમે તેનો પણ વધુ અભ્યાસ કરાવવા માંગીએ છીએ. હું ગ્રામ પંચાયતમાં સફાઈ કામદાર છું અને મારો પગાર એટલો વધારે નથી પણ હું મારા બાળકોને વધુ અભ્યાસ કરાવીશ.