કચ્છ: છેલ્લા 2 દિવસમાં વરસેલા ભારે કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે. ત્યારે ભુજ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર 2 થી 4 ઇંચ વરસાદ ભારે પવન સાથે વરસતા મગફળીનો તૈયાર પાક પાણીમાં ડૂબ્યો હતો. ભુજ તાલુકાના ચપરેડી અટલ નગર વિસ્તારમાં મગફળીના તૈયાર પાકનો વરસાદે સોથ વાળી દીધો છે.
કમોસમી માવઠાએ કર્યા ખેડૂતોને પરેશાન: ETV BHARAT એ ગ્રાઉન્ડ ઝીરો પર જઈ ખેડૂતોને થયેલા નુકસાન જાણવાનો પ્રયત્ન કરતા ખેડૂતોએ જણાવ્યું હતું, કે પહેલા તો આ વખતે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો હતો. જેનો સરકારે સર્વે કર્યો હતો. તેમાં 60 ટકા પાકમાં નુકસાની થઈ હોવાનું સામે આવ્યું હતું. જેની સહાય હજુ સુધી આપવામાં આવી નથી. ત્યારે હાલમાં પડેલા માવઠાના કારણે બચેલો 20થી 30 ટકા જેટલા મગફળીના પાકમાં નુકસાની થઈ છે. હવે ખેડૂતો પાસે મગફળી બજારમાં મૂકવા માટે પૂરતો જથ્થો પણ નથી. કમોસમી માવઠાને પગલે મગફળી પલળી જતા કાળી થઈ ગઈ છે. માલ બજારમાં કામ આવે તેવો પણ નથી રહ્યો.
ખેડૂતો ક્રોપ લોન પણ નહીં ચૂકવી શકે: મગફળીનો પાક એવો છે કે, જેને થોડો પણ ભેજ લાગે તો તે પાકને નુકસાન થાય છે. ત્યારે આ વિસ્તારના ખેડૂતોએ 80 ટકા જેટલું વાવેતર મગફળીનું કર્યું હતું. તે પૈકી હવે 20 ટકાથી પણ ઓછો માલ બચ્યો છે. જેનો ખેડૂતોને પૂરતો ભાવ નહીં મળે. ત્યારે દિવાળી સમયે ખેડૂતોને ક્રોપ લોન ચૂકવવાનો સમય પણ આવે છે. ત્યારે નુકસાની પર નુકસાની થઈ છે. ખેડૂતોને ત્યારે કંઈ રીતે ખેડૂતો લોનની રકમ ચૂકવી શકશે. ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે આ નુકસાનીનો સર્વે કરાવીને યોગ્ય વળતર આપવું જોઇએ. જેથી કરીને ખેડૂતો ખોટા પગલા ન ભરે.
આ વર્ષે બજાર ભાવ પણ નહીં મળે: ખેડૂત ઘનાભાઈ પટેલે જણાવ્યું કે, ખેડૂતને મગફળીના વાવેતરમાં એકર દીઠ 21000થી 22000 રૂપિયાનો ખર્ચ બીજ, ખાતર, પાણી છંટકાવ, મજૂરી પાછળ થતો હોય છે. ત્યારે આ વિસ્તારમાં 3 થી 4 ઇંચ જેટલો કમોસમી વરસાદ પડતાં મગફળીના પથારા પાણીમાં ડૂબી ગયા હતા. બજારના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને બજારમાં 1 મણ 2300 થી 2500 ભાવ મળે છે. જોકે સરકારના ભાવ 2800 રૂપિયે પ્રતિ કિલો છે. પરંતુ સરકાર માલ મોડે મોડે ખરીદે છે. ત્યાં સુધીમાં મગફળીને સડો લાગી જાય છે.
ખેડૂતોની માંગણી છે કે સરકાર સહાય આપે: ઉપરાંત જો મગફળી 12 કલાક પાણીમાં રહે તો તમામ મગફળી ઊગી નીકળે જેથી ખેડૂતને કંઈજ હાથમાં ન વધે. ત્યારે આ વર્ષે વાવાઝોડાના સંદર્ભે પડેલા ભારે વરસાદથી થયેલ નુકસાનનું સર્વે તો કરાયું હતું. પરંતુ હજુ સુધી તેની ચુકવણી નથી થઇ. માટે ખેડૂતોની એક જ માંગણી છે કે, સરકાર સહાય કરે નહી. તો આવનારા સમયમાં ખેડૂતો આપઘાત કરવો પડશે. તેવી પરિસ્થિતિ ઉભી થશે.
સર્વેનો રિપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરાશે: ખેતીવાડી અધિકારી કિરણ વાઘેલાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના પાકમાં કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનીનો સર્વે આગામી સમયમાં હાથ ધરવામાં આવશે અને તેનો રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ ખેડૂતોને તેમને થયેલ નુકસાન મુજબ વળતર ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો: