સુરત : મધ્યપ્રદેશથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યા બાદ સુરતમાં બબીતા ગુપ્તા રીક્ષા ચલાવીને આત્મનિર્ભર બની છે. મોટાભાગે પુરુષો રિક્ષા ચલાવે છે ત્યારે બબીતાએ રીક્ષા ચલાવી પોતાની નવી ઓળખ બનાવી છે. તેઓ માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ વિસ્તાર સહિત મુંબઈમાં પણ રીક્ષા ચલાવે છે. એટલું જ નહીં દીકરી નોકરી કરી શકે તે માટે દુપટ્ટાથી પોતાના પૌત્રને હૃદય પાસે રાખી રીક્ષા ચલાવે છે.
સુરતની મહિલા રીક્ષાચાલક : સુરતમાં એક રીક્ષાચાલક ચર્ચાનો વિષય બન્યો છે, તેની પાછળનું કારણ છે આ રીક્ષાચાલક આત્મનિર્ભર મહિલા. સુરતમાં રહેતી બબીતા ગુપ્તા આજે એક એવા ક્ષેત્રમાં છે જ્યાં વર્ષોથી પુરુષ પોતાનું સ્થાન ધરાવે છે. કદાચ કોઈએ વિચાર્યું પણ ન હશે કે આ ક્ષેત્રમાં મહિલાઓ પણ પોતાનો દબદબો કાયમ કરશે. સૌથી અગત્યની વાત છે કે બબીતા ગુપ્તા મધ્યપ્રદેશથી ગ્રેજ્યુએશન કરી સુરત આવી છે અને આજે પોતાના પરિવારના ગુજરાન માટે રીક્ષા ચલાવી રહી છે.
'ગ્રેજ્યુએટ નાની મા ' : બબીતા ગુપ્તા 11 મહિનાના બાળકને પેટ પર બાંધી રીક્ષા ચલાવે છે. સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી રિક્ષા ચલાવતી બબીતા ગુપ્તા આખો દિવસ બાળકને પોતાની સાથે જ રાખે છે. બે દીકરીઓની માતા બબીતા છેલ્લા આઠ વર્ષથી રીક્ષા ચલાવી પતિ સાથે ખભે ખભો મિલાવીને પરિવારની જવાબદારી નિભાવી રહી છે. આ બાળક બબીતાનું નહીં પરંતુ બબીતાની મોટી દીકરીનું છે, જેની સંપૂર્ણ જવાબદારી આ નાની મા નિભાવી રહ્યા છે.
આત્મનિર્ભર મહિલા : બબીતાએ જણાવ્યું કે, તેણે મધ્યપ્રદેશથી ગ્રેજ્યુએશન કર્યું છે. અગાઉ તે સીવણ કામ કરતી હતી, પરંતુ જ્યાં તે નોકરી કરતા હતા ત્યાંના માલિક સમયસર પગાર આપતા નહોતા. જેના કારણે તેને ઘણી મુશ્કેલી થતી હતી. શાકભાજી અને દૂધ વિક્રેતા તેના ઘરે આવીને પૈસા માંગતા હતા. પરંતુ સમયસર પગાર ન હોવાના કારણે તે સમયથી પૈસા આપી શકતી નહોતી. જેથી તેણે રીક્ષા ચલાવવાનું નક્કી કર્યું હતું. હવે કોઈને જવાબ આપવો પડતો નથી. જેટલા પણ રૂપિયાની જરૂર હોય તેટલા રીક્ષા ચલાવી એકત્ર કરી લે છે અને સમયસર લોકોને પૈસા પણ આપી શકે છે.
સંઘર્ષમય જીવન : બબીતાએ વધુમાં જણાવ્યું કે, હું જ્યારે પણ રિક્ષા ચલાવું છું તો ઘણા પુરુષ રીક્ષાચાલકોને સારું લાગતું નથી. તેઓ મારી રીક્ષાની સામે તેમની રીક્ષા લાવીને ઉભી કરી અને અપશબ્દો પણ બોલતા હોય છે. પરંતુ જ્યારે આ ક્ષેત્રમાં કામ કરવું હોય ત્યારે આવા લોકોની વાત પર હું ધ્યાન આપતી નથી અને સતત રીક્ષા ચલાવીને કામ કરું છું.
રીક્ષા ચલાવવાની તાલીમ : યુસીડી વિભાગ તરફથી મને ટ્રેનિંગ આપવામાં આવી અને રીક્ષા લોન પર લીધી હતી. માત્ર દોઢ વર્ષમાં લોન બેંકમાં ચૂકવી દીધી અને આજે માત્ર સુરત શહેરમાં જ નહીં પરંતુ જ્યારે મારા ગ્રાહકો કહે ત્યારે હું નવસારી, વાપી અને કેટલીક વાર મુંબઈ સુધી પણ રીક્ષા લઈને જાવું છું.
પરિવારનો પાયો બની બબીતા : બબીતાએ જણાવ્યું હતું કે, મારે બે દીકરીઓ છે. મારી દીકરી અને જમાઈ પણ નોકરી કરે છે. મારી દીકરીનો પુત્ર ક્યાં રહેશે એ વિચાર તેને આવ્યો હતો. તેથી મેં મારી દીકરીને કહ્યું કે હું તેને પોતાની સાથે લઈને રીક્ષા ચલાવીશ, તું નોકરી કર. મુસાફરી લેવાની સાથે પૌત્રની જમવા સહિતની દરેક બાબતોની કાળજી આ રિક્ષામાં જ કરું છું. જેટલી મદદ થાય તેટલી મદદ હું મારી દીકરીને કરું છું. જે ગ્રાહકો મારી રિક્ષામાં બેસે છે તેમને પણ ખૂબ જ સારું લાગે છે કે હું મારી દીકરીના દીકરાને સાથે લઈને એ રિક્ષા ચલાવું છું.