ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના કર્મચારીઓએ ફરી એકવાર સરકાર સામે બાંયો ચઢાવી છે. જૂની પેન્શન સહિતની કર્મચારીઓની માંગને લઈને સરકાર સામે મોરચો માંડ્યો હતો. આ વખતે સરકારી કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. આજે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ પેન ડાઉન, ચોક ડાઉન કાર્યક્રમની જાહેરાત કરી હતી. આજે સરકારી કર્મચારીઓ પોતાના કામથી અળગા રહ્યા હતા. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આજે પેન ડાઉનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કામગીરીના અભાવે સરકારી કચેરી સુમસામ રહી હતી.
પેન ડાઉન કાર્યક્રમઃ સરકારી કર્મચારી મંડળ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી કરે છે. સરકાર સાથે તેમણે ભૂતકાળમાં અનેક મંત્રણા કરી હતી. સરકારને અનેકવાર આવેદનપત્રો પણ આપ્યા હતા. સરકાર સાથેની બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નથી. સરકારે કર્મચારીઓની માગ સ્વીકારી નથી. તેથી કર્મચારી મહામંડળે આજે પેનડાઉનનો કાર્યક્રમ આપ્યો હતો. કર્મચારી મંડળે સરકારના મોટાભાગના વિભાગોમાં લાગુ કરવામાં આવેલી ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવાની માંગણી કરી છે પરંતુ, સરકારે હજી સુધી એક પણ માંગણી સ્વીકારી નથી. તેથી કર્મચારી મંડળ લોકસભા ચૂંટણી પહેલા સરકારની સામે પડ્યા છે.
સરકારે લાલ આંખ કરીઃ સરકારે કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે અને કહેવામાં આવ્યું છે કે, જો કર્મચારીઓ વિરોધ કાર્યક્રમ જાહેર કરે તો તેની સામે યોગ્ય પગલા લેવામાં આવશે. જો કોઈ કર્મચારી પોતાની ફરજ પર ન આવે તો તેની સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે. જ્યારે કર્મચારી મંડળે જણાવ્યું કે સરકાર કોઈ પણ પગલાં કર્મચારીઓ સામે લેશે તો અમે અચોક્કસ મુદતની હડતાળ પર જઈશું.
લોકસભા ચૂંટણી અગાઉ વિરોધઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પણ ગુજરાતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન શરૂ થયું હતું. હવે લોકસભાની ચૂંટણી આવી રહી હોઈ ગુજરાત સરકાર વિરુદ્ધ જૂની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવા સમાન બની રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓ જૂની પેન્શન યોજના શરુ કરવાની ઉગ્ર માંગણી કરી રહ્યા છે કારણ કે, કેટલાક રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે. હવે ફરી એક વાર સરકારી કર્મચારીઓને પેન્શન યોજનાનો લાભ આપવા સહિતના પોતાના પડતર પ્રશ્નોનું એકીકરણ કરવા તમામ અધિકારી કર્મચારીના મત મેળવવા વિવિધ હરતી ફરતી મત પેટી ફેરવશે અને તમામ મતો એકત્ર કરી પ્રાંતની ટીમ સચિવાલયમાં આ પ્રશ્નો જમા કરાવશે.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આજે પેન ડાઉન નો કાર્યક્રમ આપ્યો હતો. જૂની પેન્શન યોજના લાગુ કરવા અને ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવાની અમારી માગ છે. સરકાર અમારા આંદોલન ને દબાવવા પ્રયાસો કરી રહી છે. સરકાર કોઈ પણ પગલાં કર્મચારીઓ સામે લેશે તો અમે અચોક્કસ મુદતની હડતાળ પર જઈશું...ભરત ચૌધરી(મહામંત્રી, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ)