ભાવનગર : શહેરમાં મહાનગરપાલિકા હસ્તકની શાળાઓમાં નવા સત્રના પ્રારંભમાં નવા બાળકોની સંખ્યા વધારવા સરકારી શાળાઓ પ્રયત્ન કરી રહી છે. ખાનગી શાળા સામે ટક્કર મારવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે. ભાવનગર નગર પ્રાથમિક શાળાઓમાં છેલ્લા પાંચ વર્ષમાં શાળા અને વિદ્યાર્થીની સંખ્યામાં શુ વધારો થયો છે. ચાલો જાણીએ
- સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ વધારવા પડકારરૂપ : એક વર્ષ પહેલા કરાવ્યો હતો સર્વે
ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી મુંજાલ બડમલીયાએ જણાવ્યું હતું કે, ભાવનગર નગરપાલિકા વિસ્તાર અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળામાં ગયા વર્ષની શરૂઆતમાં આપણી પાસે 57 શાળાઓ હતી. કોર્પોરેશન વિસ્તારમાં નવો વિસ્તાર ભળ્યો જેથી જિલ્લા પંચાયતની શાળાઓ મેળવવામાં આવી. 11 જેટલી શાળાઓ ભળતા હાલમાં 68 જેટલી શાળાઓ છે. હાલ ગયા વર્ષની સ્થિતિએ જોઈએ તો 29,000 જેટલા બાળકો હતા. છેલ્લા પાંચ વર્ષની સરેરાશ જોઈએ તો દર વર્ષે છેલ્લી સ્થિતિ હોય એના કરતા 1000 જેટલા બાળકો નવા પ્રવેશ પામે છે, એટલે કે વધારો થાય છે. અમારો ટાર્ગેટ આ વર્ષે 30 હજાર ઉપરનો છે.
સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા : ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થતા સંખ્યા વધારવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ભાવનગરની શાસ્ત્રીનગર ખાતે શાળામાં આચાર્ય પ્રદ્યુમનસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, ગત વર્ષની અમારી સંખ્યા 490 ની આસપાસ રહી, અત્યારે અમારી પાસે 457 વિદ્યાર્થી છે. અત્યારે હજી શાળામાં પ્રવેશ ચાલુ છે. આઠમા ધોરણના 61 વિદ્યાર્થી નવમા ધોરણમાં ગયા છે . અત્યારે પ્રવેશ ચાલુ છે. અમારો ટાર્ગેટ 500 ઉપરનો છે, જે જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે.
- ગત પાંચ વર્ષ દરમિયાન ભાવનગરની સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા
વર્ષ 2023 માં 11 નવી શાળા ઉમેરાઈ
વર્ષ | વિદ્યાર્થી |
2019 | 22000 |
2020 | 22034 |
2021 | 23621 |
2022 | 24310 |
2023 | 29900 |
વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા પ્રયત્ન : નવા વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાના પ્રયત્ન અંગે આચાર્ય પ્રદ્યુમ્નસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, પ્રવેશ માટેની પ્રક્રિયા ચાલુ છે. અમે ટેમ્પ્લેટ બનાવીને વેચ્યા અને વાલીઓ પ્રવેશ માટે આવે એને પણ આપીએ છીએ. અમે જ્યારે વાલી સંપર્કમાં ગયા ત્યારે પણ આ ટેમ્પ્લેટ ઘરે ઘરે આપ્યા છે. આસપાસના વિસ્તારમાં વહેંચવામાં આવ્યા અને પ્રવેશ માટેની વિનંતી સાથે વિતરણ કર્યું છે. ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ કુમાર અને કન્યા શાળા છે. સેફટી માટે બધા ફાયરના સાધનો શાળામાં અત્યારે વિકસાવેલા છે. શાળામાં 13 સ્માર્ટ કલાસ છે અને દરેક ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે.