ગાંધીનગર: શાળામાં ગેરહાજર રહી વિધ્યાર્થીના ભવિષ્યને જોખમમાં મૂકતા શિક્ષકો વિરુદ્ધ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાંથી 3 શિક્ષકો વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. ફરજ પર ગુલ્લી મારીને વિદેશમાં મોજ કરતા શિક્ષકોના કારણે ગરીબ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બને છે. ત્યારે આવા ગુલ્લી બાદ શિક્ષકો વિરુદ્ધ સરકારે શિક્ષાત્મક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. 17 જિલ્લામાં 32 શિક્ષકો વિદેશ હોવાનું શિક્ષા મંત્રી પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યું હતું. શિક્ષણ મંત્રીના પ્રફુલ પાનસુરીયાના નિવેદન બાદ આજે સરકારે ગુલ્લી બાજ શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.
કેટલા ગેરહાજર અને કેટલા વિદેશમાં: સરકારી આંકડા પ્રમાણે 17 જિલ્લાઓના 32 શિક્ષકો વિદેશ ભાગી ગયા છે. ત્યારે આ શિક્ષકોને છાવરતા અધિકારીઓ સામે પણ શિક્ષણ વિભાગ પગલા લેવાની તૈયારી કરી રહ્યુ છે. તમામ જિલ્લાની માહિતી એકઠી કરીને સરકારે એક્શન લીધા છે. શિક્ષકોની ગેરહાજરીના આંકડા બાબતે વિભાગે 17 જિલ્લાના 31 શિક્ષકો ગેરહાજર અને 32 શિક્ષકો વિદેશ ગયાનો ખુલાસો કર્યો હતો. ત્યારે આ શિક્ષકોને છાવરતા અધિકારીઓ સામે પણ શિક્ષણ વિભાગ પગલા લેવાની તૈયારી કરી રહ્યુ છે.
કેટલા શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા: ગુજરાતના કેટલાક જિલ્લાની સરકારી શાળાઓમાં અનેક શિક્ષકો ગેરહાજર હોવાની ફરિયાદો ઉઠતાં શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ-ડીપીઓને આદેશ કરીને લાંબી રજા પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવી સરકારને સોંપવામાં આવી હતી. ત્યારબાદ સરકાર એક્શનમાં મોડમાં આવી ગઇ છે. વિગતોના આધારે રાજ્યના 134 શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં ભરતાં 134 ગેરહાજર શિક્ષકોને બરતરફ કરવામાં આવતાં શિક્ષણ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જેમાં રાજકોટ, આણંદ અને કચ્છના 1-1 શિક્ષક વિરૂદ્ધ પોલીસ કેસની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
સ્કૂલ મેનેજમેન્ટ પર સવાલ: છોટાઉદેપુર જિલ્લામાં સાત શિક્ષકો એક વર્ષ કે તેથી વધુ સમય સુધી ગેરહાજર રહ્યા છે, તેમને નોટિસ આપી છે. જેમાંથી એક શિક્ષકનું રાજીનામું મંજુર કરેલું છે. જોકે હજુ સુધી કોઈને સસ્પેંડ કે બરતરફ કરાયા નથી. અમદાવાદ જિલ્લામાં શહેરની સરકારી ગ્રાન્ટેડ શાળામાં ચાર શિક્ષકો વિદેશ પ્રવાસ પર છે અને એક ગ્રાન્ટેડ શાળામાં એક શિક્ષક તો 177 દિવસની રજા પર છે. આમ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પણ આટલી લાંબી રજા કઈ રીતે મંજૂર કરવામાં આવી તે પણ પ્રશ્ન છે.
8 શિક્ષકો 90 દિવસ કરતાં વધુ સમયથી રજા પર: અમદાવાદ ગ્રામ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં 8 શિક્ષકો 90 દિવસ કરતાં વધુ સમયથી રજા પર છે. જેમાં 7 શિક્ષકો વિદેશ પ્રવાસમાં છે અને એક શિક્ષક મેડિકલ કારણસર રજા પર છે. જ્યારે ગ્રામ્યની સરકારી શાળામાં એક શિક્ષક અને એક વહીવટી કર્મચારી લાંબી રજા પર છે. એક શિક્ષક સામે કાયદાકીય કાર્યવાહી ચાલતી હોવાથી તે શાળામાં ઘણા દિવસોથી ગેરહાજર છે. જ્યારે એક વહીવટી કર્મચારી બિનઅધિકૃત રીતે મંજૂરી વિના લાંબી રજા પર છે. જ્યારે કૉર્પોરેશનની શાળામાં પણ એક શિક્ષક લાંબા સમયથી ગેરહાજર હોવાનું ધ્યાને આવ્યું છે. આગામી દિવસોમાં વધુ કેટલાક ગુલ્લી બાદ શિક્ષકો વિરુદ્ધ સરકાર કડક કાર્યવાહી કરે તેવી સંભાવના છે.