સુરત : લોકસભા ચૂંટણીને લઈને INDIA એલાયન્સ સક્રિય જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી અંગે જાહેરાત થતાં જ કોંગ્રેસની અંદર ઘમાસાણ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ સ્વર્ગીય નેતા અહમદ પટેલની પુત્રી અને પુત્રએ બેઠક વહેંચણી પર નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે AAP નેતા ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મળીને બેઠક પરથી ભાજપને હરાવશે.
ભરૂચનું રાજકારણ ગરમાયું : લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નીતિ તૈયાર થઈ ગઈ છે. ભાવનગર અને ભરૂચ બેઠક પર એક બેઠકની વહેંચણી થઈ છે. જે અનુસાર આ બંને બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લોકસભાની ચૂંટણી લડશે. પરંતુ ભરૂચ બેઠક AAP ના ભાગે આવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝે નારાજગી વ્યક્ત કરી છે. આ નારાજગી વચ્ચે ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા AAP ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. બીજી તરફ AAP દ્વારા ફૈઝલ અને મોમતાઝને સાથે મળીને પ્રચાર કરવા અને ચૂંટણી લડવા માટે અનુરોધ કરવામાં આવશે.
પોતાની ઈચ્છા અને મંતવ્ય કરતા દેશ અને દેશમાં લોકશાહી બચાવવા તથા ભાજપને હરાવવા માટેનો સમય છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મળીને બેઠક પરથી ભાજપને હરાવશે. -- ગોપાલ ઇટાલિયા (AAP નેતા)
આપ-કોંગ્રેસ ગઠબંધન : આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, દેશમાં તાનાશાહી કરનાર અને વોટ ચોરી કરનાર લોકોને હરાવવા માટે રાષ્ટ્રીય કક્ષાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર અનુક્રમે ચૈતર વસાવા અને ઉમેશભાઈને ઉમેદવાર જાહેર કરવામાં આવશે. અમને ચોક્કસથી ભરોસો છે કે ભાજપની હાર ભરૂચથી શરૂ થશે.
ફૈઝલ-મુમતાઝની નારાજગી : ફૈઝલ અને મુમતાઝની નારાજગી અંગે ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે, સ્વાભાવિક છે કે તેમણે ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી. અમે ફૈઝલભાઈ અને મુમતાઝબેન સાથે ભરૂચના તમામ કોંગ્રેસના પદાધિકારીઓનો આભાર માનીશું અને વિનંતી પણ કરીશું, દેશ અને દેશમાં લોકશાહી બચાવવા માટે એકત્ર થવાની જરૂર છે. પોતાની ઈચ્છા અને મંતવ્ય કરતા દેશમાં લોકશાહી બચાવી રાખવા અને ભાજપને હરાવવા માટેનો સમય છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પહેલાથી જ લોકોએ સ્વીકારી છે.