રાજકોટ: ઉપલેટા શહેરમાં રાજકોટ રૂરલ SOG પોલીસે રેડ કરી અને કપાસના બિયારણનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો છે. અહીંયા પોલીસને મળેલી બાતમીના આધારે ઉપલેટા શહેરના પરેશ વલ્લભભાઈ સેલારકાના ગોડાઉન પર રેડ કરી અને પોલીસે ₹1,28,800 ના શંકાસ્પદ કપાસના બિયારણના જથ્થાને કબજામાં લીધા છે, અને શંકાસ્પદ કપાસના બિયારણના આ જથ્થા અંગે વધુ ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસ શરૂ કરી છે. આ શંકાસ્પદ જથ્થો નકલી બિયારણ હોય તેવી શંકાના આધારે પોલીસ દ્વારા હાલ જથ્થાને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કિસાન સભાના પ્રમુખનું શું કહેવું: ઉપલેટા શહેરમાંથી ઝડપાયેલ શંકાસ્પદ કપાસના બિયારણના જથ્થા નકલી તેમજ ભેળસેળ અને છેતરપિંડી યુક્ત બિયારણ અંગે ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે, સરકાર દ્વારા તેમજ કૃષિ વૈજ્ઞાનિકો અને સંશોધકો દ્વારા આપવામાં આવેલી માહિતી અને તારણ બાદ જે સૂચનો આપવામાં આવ્યા છે, તે મુજબ બિયારણની ખરીદીઓ કરવી જોઈએ. આ સાથે તેમને સરકાર પર સીધા જ આક્ષેપ કર્યા છે કે, સરકાર દ્વારા ખેડૂતો માટે બિયારણો તૈયાર કરાવવા જોઈએ અને ખેડૂતોને સમયસર આપવા જોઈએ તે સરકાર આપી રહી નથી જેના કારણે ખોટી અને મોટી જાહેરાતો કરતી કંપનીઓ તેમનો લાભ લે છે અને ખેડૂતોને નકલી તેમજ નબળી ગુણવત્તા વાળો બિયારણનો જથ્થો આપી દે છે. જેને પરિણામે ખેડૂતોને પૂરતો નફો મળતો નથી તેમજ તેમની પૂર્તિ ખેતીમાંથી વળતરની જે અપેક્ષા હોય તે મળતી નથી.

ખેડૂતોએ સતર્ક રહેવું જોઈએ: આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા બીજ પ્રમાણન અધિકારી એ.બી. કમાણીએ માહિતી આપતા અને ખેડૂતોને જાગૃત કરવાના હેતુસર જણાવ્યું છે કે, સરકાર દ્વારા જે પણ પ્રકારે સર્ટિફાઇડ અને જાહેર કરાયેલા બિયારણોનો જથ્થો તૈયાર કરવામાં આવ્યો છે તે ખેડૂતોએ ખરીદવો જોઈએ તેવું જણાવ્યું છે. ખેડૂતો દ્વારા જે બિયારણ ખરીદવામાં આવે છે તેમાં સર્ટિફાઇડ સીલ લેબલ જેવી વસ્તુઓ નિરીક્ષણ કરી અને પછી ખરીદી કરવી જોઈએ તેમજ બિયારણ ખરીદતી વખતે કોઈપણ પ્રકારની ખોટી છેતરપિંડીનો શિકાર ન થાય તે માટે ખેડૂતોએ સતર્ક રહેવું જોઈએ અને છેતરપિંડીનો ભોગ ન બની જાગૃત પણ રહેવું જોઈએ.

પોલીસ કાર્યવાહી: રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાંથી ઝડપાયેલો આ શંકાસ્પદ કપાસના બિયારણનો જથ્થો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે, SOG પોલીસ દ્વારા ગત દિવસે શંકાસ્પદ કપાસના બિયારણનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ઉપલેટામાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ શહેર તેમજ આસપાસના પંથકમાં એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે, જે જગ્યા પરથી જે લોકો પાસેથી આ જથ્થો કબજે લેવામાં આવ્યો છે તે વ્યક્તિ અને તેમના વ્યવસાય અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવે તો ઘણી બાબતો બહાર આવી શકે છે, પરંતુ આ મામલો અંદરખાને સમેટાઈ જશે અને મામલો રફેદફે કરી નાખવામાં આવશે તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે. જો કે મીડિયાના અહેવાલ બાદ તંત્ર ઊંડાણપૂર્વક ચકાસણી અને તપાસણી કરે છે. બિયારણના માલિકનું આ કારસ્તાન ભીનું સંકેલવામાં તંત્ર સહકાર આપશે તેના પર મીડિયા ખાસ બાજ નજર રાખીને તંત્રની હરકત પર નજર રાખી રહી છે.