પોરબંદર: પોરબંદરમાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા પરિપત્ર રજૂ કરવામાં આવ્યો છે. જે અનુસાર જિલ્લાના તમામ માછીમારો, એસોસિએશન તથા આગેવાનોને જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યના કૃષિ ખેડૂત કલ્ચર અને સહકાર વિભાગના આધારિત પત્ર-૨થી ફિશિંગબેન સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ભારત સરકારના મત્સ્યદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા આધારિત પત્ર-૩ થી તેમજ વડી કચેરી ગાંધીનગર આધારિત પત્ર-૪થી પ્રાદેશિક જળ વિસ્તારની બહાર (ઇન્ડિયન એસક્યુઝિવ ઇકોનોમિક ઝોન)માં પશ્ચિમ દરિયાકાંઠાના આંતરદેશીય તથા પ્રાદેશિક વિસ્તારમાં ૬૧ દિવસના સમયગાળા દરમિયાન માછીમારી પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આગામી તારીખ ૧ જુન થી ૩૧ જુલાઈ એટલે કે ૬૧ દિવસ સુધી ફિશિંગ પર પ્રતિબંધનો આદેશ કરાયો છે. જેને ધ્યાને લઇ પોરબંદર જિલ્લામાં આગામી 1 જૂનથી ૩૧ જુલાઈ સુધી તમામ યાંત્રિક બોટો, હોડીઓ દ્વારા આંતરદેશીય તેમજ પ્રાદેશિક જળ વિસ્તારમાં થતી માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઇન્ચાર્જ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક ટી.જે.કોટિયા દ્વારા વધુમાં એવું જણાવવામાં આવ્યું છે કે આગામી આગામી ૧ જૂન થી ૩૧ મે સુધીમાં માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાથી ઓનલાઈન સોફ્ટવેરમાં ટોકન લઈ ગયેલ તથા આવનાર દિવસોમાં માછીમારી માટે જનાર તમામ હોડી, બોટની ટોકનની રિટર્ન એન્ટ્રી ફરજિયાત કરી લેવાની રહેશે.
આ પ્રતિબંધમાંથી નોન - મોટરાઈઝડ ક્રાફટ (લાકડાની બિનયાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવ્યા છે. આ આદેશનો ભંગ કરનાર ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા - ૨૦૦૩ની કલમ ૬/૧ (ટ) ના ભંગ બદલ કલમ -૨૧/૧(ચ) મુજબ દંડને પાત્ર ઠરશે. આમ, પોરબંદર મત્સ્યોઉદ્યોગ નિયામકની કચેરી દ્વારા માછીમારી પ્રતિબંધિત સમય દરમિયાન માછીમારી કરવા દરિયામાં પ્રવેશ કરશે તો તેમના વિરુદ્ધ કાયદાકી કાર્યવાહી થશે તેવો આદેશ કરાયો છે.