કચ્છ: કપાસ પાકના આગોતરા વાવેતર માટે ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની બાબતો વિશે કચ્છ જિલ્લાના ખેતીવાડી ખાતા દ્વારા યાદી જારી કરવામાં આવી છે. આ યાદીમાં ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવા માટે સૂચનો કરવામાં આવ્યા છે. તો ખેડૂતોએ બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુનામ, સરનામું અને જે બિયારણ ખરીદેલું હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવા માટેનો આગ્રહ રાખવો જોઈએ. ખેડૂતોએ કોઇપણ સંજોગોમાં લાયસન્સ ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી ન કરવી જેથી ખેડૂતો સાથે કોઈ પણ પ્રકારની છેતરપીંડી થાય નહીં.
ગત વર્ષે 10 તાલુકાઓમાં 70,605 હેક્ટરમાં કપાસના પાકનું વાવેતર: કચ્છ જીલ્લામાં ગત વર્ષે 10 તાલુકાઓમાં 70,605 હેક્ટરમાં કપાસના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કપાસ પાકનાં વાવેતર માટે જરૂરી બિટી કપાસના બિયારણોનો અને રાસાયણિક ખાતરોનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું કચ્છ જીલ્લા ખેતીવાડીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. તો ખેડૂતોએ પણ કપાસની એક જ જાતનું વાવેતર ન કરતા બજારમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવા અનુરોધ કરવામાં આવ્યો છે જેથી કરીને સંભવિત જોખમને નિવારી શકાય.
ખેડૂતોને બિયારણ અને ખાતરનું જરૂરીયાત મુજબ આગોતરી ખરીદી કરવા અનુરોધ: આમ કપાસના પાક માટે ખેડૂતોને બિયારણ અને ખાતરનું જરૂરીયાત મુજબ જુદી જુદી જાત અને જુદા જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવા જણાવવામાં આવ્યું છે. જો ખેડૂતોને બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતરો સીવાયના અન્ય ખાતરો ફરજીયાત આપવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવે તો કચ્છ જિલ્લાની ખેતીવાડી ખાતાની કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.