જુનાગઢ: ગત 11 તારીખ અને શનિવારના દિવસે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામમાં મોડી રાત્રિના સમયે પિતા પુત્રની ગોળી ધરબી દઈને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ જૂનાગઢ જિલ્લામાં ચકચાર મચી ગયો હતો. જીસાન અને રફીક સાંધની કેટલાંક અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. મૃતકના પરિવારજનોની ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સમગ્ર હત્યાકાંડને અંજામ આપનાર મુખ્ય આરોપી રહીમ અને હુસેન સાંધને જયપુર મુકામેથી પકડી પાડવામાં આવ્યા હતા, તો અન્ય પાંચ આરોપીને તળિયાધાર અને બંટીયા ગામમાંથી પકડી પાડીને પિતા પુત્રની હત્યાનો ભેદ જુનાગઢ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે.
વર્ષ 2012થી પારિવારિક દુશ્મના વટ: જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામમાં વર્ષ 2012 થી સાંધ પરિવાર વચ્ચે દુશ્મનાવટના બીજ રોપાયા હતા. જે વેરનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. પારિવારિક મતભેદ અને હવે દુશ્મનાવટને કારણે ફરી એક વખત રવની ગામમાં પિતા પુત્રની બેવડી હત્યાથી ખડભડી ઉઠ્યું. એક વર્ષ પૂર્વે સલીમ સાંધ નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી, તેના બદલામાં શનિવારે જીશાન અને રફીક સાંધની હત્યા કરવામાં આવી, આ ખુલાસો પોલીસ પકડમાં રહેલા આરોપીની તપાસમાં થયો છે.
હત્યા માટે ઇન્ટરનેટનો ઉપયોગ: પિતા પુત્રની બેવડી હત્યા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હોવાની પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. હત્યાકાંડને અંજામ આપનાર અને મુખ્ય કાવતરાખોર રહીમ અને હુસેન સાંધ હત્યા પૂર્વે જ જુનાગઢ થી ગુજરાતના અન્ય જિલ્લામાં પહોંચી ગયા હતા. જ્યાંથી તેઓએ તેમના મોબાઈલ બંધ કરીને ઇન્ટરનેટ કોલ મારફતે સમગ્ર હત્યાકાંડનું કાવતરું રચીને જીશાન અને રફીક સાંધની હત્યા પાર પાડી હતી. ત્યારબાદ અહીંથી ઇન્દોર ત્યાંથી દિલ્હી અને પરત જયપુર પહોંચ્યા હતા. જ્યાં મુખ્ય કાવતરાખોર રહીમ અને હુસેન સાંધની પોલીસે અટકાયત કરી હતી. તેની પુછપરછમાં અન્ય પાંચ આરોપીઓની પણ અટકાયત કરવામાં આવી છે.
જુસબ અલારખા ગેંગ સક્રિય: પોલીસ ચોપડે ખૂબ જ કુખ્યાત અને લીસ્ટેડ અપરાધી જુસબ અલારખાની ગેંગ દ્વારા આ હત્યાકાંડને અંજામ અપાયાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. જુસબ જેલમાં બંધ છે પરંતુ તેની ગેંગના સભ્યો આજે પણ હત્યાઓને અંજામ આપીને પોતાનો હાહાકાર રવની ગામમાં સર્જી રહ્યા છે. સમગ્ર હત્યામાં અન્ય એક આરોપી કે જે જેલમાંથી પેરોલ મેળવીને આજ દિન સુધી ફરાર છે તેની પણ સંડોવણી હોવાની પોલીસને હકીકતો મળી છે. સમગ્ર મામલામાં હાલ પોલીસ પેરોલ પર ફરાર આરોપીને પકડી પાડવા માટે પણ કાર્યવાહી શરૂ કરી છે.