જૂનાગઢ: ભવનાથ મહાદેવ મંદિરમાં આવેલા મૃગીકુંડમાં નાગા સન્યાસીઓ દ્વારા કરવામાં આવેલા શાહી સ્નાન બાદ આજે વિધિવત રીતે મહાશિવરાત્રીનું પર્વ પૂર્ણ થયું છે. તો પરંપરા મુજબ આયોજિત થતી આવતી રવેડીના દર્શન કરવા માટે શિવ ભક્તો ઉમટ્યાં હતા.
નાગા સન્યાસીઓની રવેડી:
મહાશિવરાત્રીનું પાવન પર્વ ભવનાથની ગિરી તળેટીમાં આદિ અનાદિ કાળથી સનાતન ધર્મની પરંપરા મુજબ રવેડીનું આયોજન કરવામાં આવે છે. તમામ સાધુ સંતો ટ્રેક્ટર પર શાહી સવારી કાઢે છે. નાગા સાધુઓ અંગ કરતબો, તલવારબાજી અને લાઠી દાવ કરે છે. સાધુ સંતો અને નાગાબાવાઓના દર્શન કરી મેળામાં આવેલા ભાવિકો ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ શિવ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ભવનાથ ક્ષેત્રમાં આવ્યા હતા.
કહેવાય છે કે નાગા સન્યાસીના રૂપમાં સ્વયમ મહાદેવ ભવનાથ ક્ષેત્રમાં શિવરાત્રીના દિવસે કોઈ એક સ્વરૂપે હાજર રહેતા હોઈ છે. ત્યારે પ્રત્યેક શિવ ભક્ત દેવાધિદેવ મહાદેવની કૃપાદ્રષ્ટિ તેમના પર પડે તે માટે રવેડીના માર્ગ પર સતત જોવા મળતા હોય છે. સનાતન ધર્મની પરંપરા અનુસાર શિવરાત્રીના દિવસે મહાદેવ સ્વયં ભવનાથ ક્ષેત્રમાં આકાર સાકાર કે નિરાકાર સ્વરૂપે હાજર રહેતા હોય છે. શિવની અનુભૂતિ અને શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે આખું વર્ષ શિવભક્તો મહાદેવની રવેડીની રાહ જોતા હોય છે. ત્યારે ભવ્યાતીભવ્ય રવેડી સાથે મહાશિવરાત્રીના આ મહા પર્વને લોકોએ ધામધૂમપૂર્વક ઉજવ્યું હતું.
મૃગીકુંડમાં શાહી સ્નાન:
મહા વદ નોમના દિવસે ભવનાથ મહાદેવ મંદિર પર ધજારોહણ થયા બાદ મહા શિવરાત્રીના મેળાની શરૂઆત થતી હોય છે. જે મહા વદ તેરસના દિવસે મહા શિવરાત્રી જેવા પાવન પર્વે મધ્ય રાત્રે નાગા સન્યાસીઓ દ્વારા મૃગીકુંડમાં સ્નાન કરવાની સાથે જ પૂર્ણ થાય છે ત્યારે આજે હજારોની સંખ્યામાં નાગા સન્યાસીઓએ રવેડીમાં ભાગ લઈને મૃગીકુંડમાં સ્નાન કરીને મહાશિવરાત્રીની ઉજવણી કરી હતી.