અમદાવાદ: GCCI ના પ્રમુખ સંદીપ એન્જિનિયરે પ્રસ્તુત બજેટને બિરદાવ્યું હતું કે, જેમાં છેલ્લા એક દાયકામાં ભારતીય અર્થતંત્રમાં થયેલ નોંધપાત્ર પરિવર્તન તેમજ પ્રસ્તુત બજેટ થકી દેશના દૂરગામી વિકાસને ધ્યાનમાં લેવામાં આવેલ છે. તેઓએ આ બજેટમાં આર્થિક વૃદ્ધિ, સામાજિક કલ્યાણ અને નાણાંકીય જવાબદારી માટે જે અગત્યના પગલાં લેવામાં આવ્યા છે તેની પ્રશંસા કરી હતી.
બજેટમાં ગ્રામીણ કૃષિ અર્થતંત્ર અને MSME પર વિશેષ ધ્યાન: પ્રસ્તુત બજેટ દ્વારા રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રામીણ કૃષિ અર્થતંત્ર અને MSME પર વિશેષ ધ્યાન આપવામાં આવેલ છે જે દેશની પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, બજેટ ભારતીય અર્થતંત્રને $5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં કાચા હીરાનું વેચાણ કરતી વિદેશી ખાણકામ કંપનીઓ માટે બજેટમાં "સેફ હાર્બર રેટ" રજૂ કરવામાં આવ્યા છે, જેનાથી ગુજરાતના હીરા ઉદ્યોગને ફાયદો થશે. વિદેશી રોકાણને આકર્ષિત કરવા અને હીરા ઉદ્યોગના હબ તરીકે ગુજરાતની સ્થિતિને મજબૂત કરવાના ધ્યેય સાથે બજેટમાં વિદેશી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સનો દર 40% થી ઘટાડીને 35% કરવામાં આવ્યો છે.
GCCI ઉપપ્રમુખે બજેટને આવકાર્યુ: GCCIના ઉપપ્રમુખ અપૂર્વ શાહે પણ બજેટનું આવકાર્યું હતું અને બજેટ અન્વયે MSME એકમો માટેની વિવિધ જોગવાઈઓની પ્રશંસા કરી હતી. તેમણે કોલેટરલ અથવા તૃતીય-પક્ષ ગેરંટી વિના મશીનરી અને સાધનો ખરીદવા માટે MSMEs એકમો માટે ટર્મ લોનની સુવિધા પુરી પાડવાના આપવાની જાહેરાતની પ્રશંસા કરી હતી. તેઓએ ઉમેર્યું હતું કે, નવી ક્રેડિટ ગેરંટી સ્કીમ ધિરાણના જોખમોને ઘટાડશે અને અરજદાર દીઠ રૂ. 100 કરોડ સુધીનું ગેરંટી કવર સ્વ-ધિરાણ ગેરંટી ફંડ દ્વારા પૂરું પાડશે જે અન્વયે આવું ધિરાણ પ્રાપ્ત કરનાર અગાઉથી વાર્ષિક ગેરંટી ફી ચૂકવે છે.
ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ પર આધારિત નવા મોડલ વિકસાવશે: GCCI ઉપપ્રમુખે જણાવ્યું કે, જાહેર ક્ષેત્રની બેંકો ધિરાણ માટે MSMEsનું મૂલ્યાંકન કરવા માટે તેઓના આંતરિક તંત્રને વધુ મજબૂત તેમજ વિસ્તૃત કરશે કે જેથી આવું ધિરાણ મેળવવું સરળ બની રહેશે. પ્રસ્તુત આયોજન, પરંપરાગત એસેટ અથવા ટર્નઓવર માપદંડોને બદલે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ પર આધારિત નવા મોડલ વિકસાવશે. વધુમાં, જે ઉદ્યોગસાહસિકોએ 'તરુણ' કેટેગરી હેઠળ તેઓની અગાઉની લોન સફળતાપૂર્વક ચુકવેલ છે તેઓ માટે મુદ્રા લોન માટેની મર્યાદા રૂ.10 લાખથી વધારી રૂ. 20 લાખ કરવાની જોગવાઈને પણ તેઓએ બિરદાવી હતી. તેમણે ગ્રામીણ અર્થતંત્રને નોંધપાત્ર રીતે વેગ આપવાની અને ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન MSMEsને ટેકો આપવા માટેના વિવિધ પગલાંની પ્રશંસા કરી હતી.
સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી: GCCI માનદ મંત્રી ગૌરાંગ ભગતે 100 શહેરોમાં અથવા તેની નજીકમાં વિકસાવવામાં આવનાર "ઈન્વેસ્ટમેન્ટ-રેડી "પ્લગ એન્ડ પ્લે" ઔદ્યોગિક પાર્ક" ની જાહેરાતને આવકારી હતી. તેઓએ કિંમતી ધાતુઓ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી. સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% અને પ્લેટિનમ પર 6.4% કરવામાં આવેલ છે જે પગલાની જ્વેલરી ક્ષેત્ર અને સંબંધિત ઉદ્યોગો પર સકારાત્મક અસર પડશે, જે આ કિંમતી ધાતુઓને ગ્રાહકો તેમજ વ્યવસાય માટે પણ વધુ સુલભ બનાવશે.
GCCIના પ્રમુખ અને પદાધિકારીઓએ કેન્દ્રીય બજેટમાં જાહેર કરવામાં આવેલ નિમ્નલિખિત બાબતોની ખૂબ પ્રશંસા કરી હતી.
- ₹2.66 લાખ કરોડની ફાળવણી સાથે ગ્રામીણ વિકાસ પર વિશેષ ધ્યાન તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદન માટે સમર્થન આપવા બાબત ધ્યાન કેન્દ્રિત કરવું.
- MSMEને તેઓના તણાવ પૂર્ણ સમય દરમિયાન બેંક ધિરાણ ચાલુ રાખવાની સુવિધા માટે નવી મેકેનિઝ્મ વિકસાવવામાં આવશે.
- TREDS પ્લેટફોર્મ પર ફરજિયાત ઓન બોર્ડિંગ માટે ખરીદદારોની ટર્નઓવર મર્યાદા ₹500 કરોડથી ઘટાડીને ₹250 કરોડ કરવામાં આવશે.
- રોકાણ માટે તૈયાર "પ્લગ એન્ડ પ્લે" ઔદ્યોગિક પાર્ક 100 શહેરોમાં અથવા તેની નજીક ના વિસ્તારમાં વિકસાવવામાં આવશે.
- PM આવાસ યોજના - અર્બન 2.0 અન્વયે 1 કરોડ જેટલા શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબ કુટુંબોને ફાયદો થશે, જે અન્વયે 10 લાખ કરોડના રોકાણ સાથે આગામી પાંચ વર્ષમાં રૂ. 2.2 લાખ કરોડની કેન્દ્રીય સહાય પ્રાપ્ત થશે.
- અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી કસ્ટમ ડ્યુટીમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે. અહીં કેન્સરની સારવાર માટેની ત્રણ વધુ દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે અને મોબાઈલ ફોન, સંબંધિત ભાગો અને ચાર્જર પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 15% કરવાનો સમાવેશ થાય છે. 25 ખુબ અગત્યના ખનિજો પર કસ્ટમ ડ્યુટી મુક્તિ અને અન્ય બે ખનીજ પર તેને ઘટાડવાનો પ્રસ્તાવ કરવામાં આવેલ છે. કેટલાક ખાસ બ્રુડ સ્ટોક તેમજ ઝીંગા અને માછલીના ખોરાક પર તેમજ બતક અથવા હંસ દ્વારા પ્રાપ્ત વાસ્તવિક ડાઉન-ફિલિંગ સામગ્રી પર કસ્ટમ ડ્યુટી 5% ઘટાડવામાં આવશે. સ્પેન્ડેક્સ યાર્નના ઉત્પાદન માટે MDI પરની ડ્યુટી 7.5% થી ઘટાડીને 5% કરવામાં આવશે અને કાચા ચામડા, ચામડી અને ચામડા પરની નિકાસ ડ્યુટીનું માળખું સરળ અને તર્કસંગત બનાવવામાં આવશે. સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% અને પ્લેટિનમ પર 6.4% કરવામાં આવશે. વધુમાં, મેન્યુફેક્ચરિંગ રેસીસ્ટર્સ માટે ફેરો નિકલ, બ્લિસ્ટર કોપર અને ઓક્સિજન ફ્રી કોપર પર કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવશે.
- મહિલાઓ દ્વારા આગેવાની હેઠળના પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા માટે, બજેટમાં મહિલાઓ અને કન્યાઓને લાભ આપતી યોજનાઓ માટે ₹3 લાખ કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે.
- આબોહવા અનુકૂલન અને શમન માટે ટેક્સનોમી નો વિકાસ કરવાના આશયથી મૂડીની ઉપલબ્ધતા વધારવા માટે ક્લાયમેટ ફાઇનાન્સ માટે વર્ગીકરણને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે.
- "વિવાદ સે વિશ્વાસ યોજના" 2024ની જાહેરાત
- સરકાર દ્વારા પ્રમોટેડ ફંડની ગેરંટી સાથે ₹7.5 લાખ સુધીની લોનની સુવિધા માટે મોડેલ સ્કિલ લોન સ્કીમમાં સુધારો કરવામાં આવશે.
- આદિવાસી સમુદાયોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે, "પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન" શરૂ કરવામાં આવશે, જે 63,000 આદિવાસી-બહુમતી ગામો અને વિકાસલક્ષી જિલ્લાઓમાં આદિવાસી પરિવારો માટે સંતૃપ્તિ કવરેજ પ્રદાન કરશે, જેનાથી 5 કરોડ આદિવાસી લોકોને લાભ થશે.
- સરકારી યોજનાઓનો લાભ લેવા માટેના માપદંડમાં ના આવતા હોય તેવા યુવાનોને ટેકો આપવા માટે, ઘરેલું સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે ₹10 લાખ સુધીની લોન માટે ઇ-વાઉચર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે, જે દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને 3% વાર્ષિક વ્યાજ સબવેન્શન ઓફર કરે છે.
- નવી કર વ્યવસ્થા હેઠળ સ્ટાન્ડર્ડ કપાત મર્યાદાને ₹50,000 થી વધારીને ₹75,000 કરવામાં આવેલ છે.
- ઈ-કોમર્સ વ્યવહારો પર TDS દર 1% થી ઘટાડીને 0.1% કરવામાં આવશે. વધુમાં, TCS માટે જરૂરી ક્રેડિટ જે તે પગારમાંથી કાપવામાં આવેલ TDS સામે પ્રાપ્ત થશે.