ગાંધીનગર : બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી 2024 માં બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડેલા ગેનીબેનનો ભવ્ય વિજય થયો હતો. આ સાથે જ તેઓ સાંસદ પદે ચૂંટાતા હવે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.
ગેનીબેનનું રાજીનામું : લોકસભા ચૂંટણી 2024 માં બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. અહીંથી સાંસદ તરીકે ચૂંટાયેલા ગેનીબેન વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા. હવે તેઓ સંસદમાં પહોંચ્યા, સાથે જ બેઠક ખાલી થઈ છે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. ત્યારે હવે વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી શકે છે.
વાવના ધારાસભ્ય ગેનીબેન : વાવ વિધાનસભા બેઠક પર ગેનીબેન ભાજપના કદાવર નેતા શંકર ચૌધરીને હરાવી ચૂક્યા છે. વિધાનસભા ચૂંટણી 2012 માં શંકર ચૌધરીએ ગેનીબેન ઠાકોરને 11,911 વોટે હરાવ્યા હતા. 2017 માં ગેનીબેને તત્કાલીન કેબિનેટ મંત્રી શંકર ચૌધરીને 6, 655 મતથી હરાવીને બદલો લીધો હતો. 2022 વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન જીતવામાં ફરી એકવાર સફળ થયા હતા.
બનાસકાંઠાના મતનું વિશ્લેષણ : બનાસકાંઠા લોકસભા સીટ પર થયેલા મતદાનનો વિધાનસભા વાર વિશ્લેષણ કરવામાં આવે તો પેટા ચૂંટણીમાં કોંગ્રેસની રાહ અઘરી છે. કારણ કે બનાસકાંઠા લોકસભામાં થયેલા મતદાન અનુસાર વાવ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસને 1,01,311 મત મળ્યા છે. જ્યારે ભાજપને 1,02,772 મત મળ્યા છે. આમ કોંગ્રેસની તુલનામાં ભાજપને 1,661 મત વધુ મળ્યા છે. તેથી વાવ પેટા ચૂંટણીમાં રસાકસી થવાની સંભાવના છે. કોંગ્રેસની જીતમાં દાતા, પાલનપુર અને દિયોદરની લીડનો મહત્વનો ફાળો છે.