અમદાવાદ: શહેરના વિવિધ વિસ્તારોમાં, વિવિધ સંસ્થાઓ, સોસાયટીઓ અને મંડળો દ્વારા ગણપતિ પંડાલ બનાવવામાં આવ્યા છે. સાથે વિવિધ થીમ આધારીત પંડાલનું ડેકોરેશન પણ કરવામાં આવ્યુ છે. જમાલપુર ખાતે આવેલા ભગવાન ગણેશના મંદિરનાં પ્રવેશ દ્વારે ગુફા પ્રકારનું ડેકોરેશન કરવામાં આવેલું છે અને અંદર ભગવાન ગણેશ સાથે રિદ્ધિ અને સિદ્ધિની પણ મુર્તીઓ રાખવામાં આવેલ છે. જ્યારે પાલડી વિસ્તારમાં પાલડી ચાર રસ્તા પાસે પણ એક ગણપતિ પંડાલ બનાવવામાં આવ્યુ છે, ત્યાં ભગવાન ગણેશને ભગવાન રામના અવતારમાં દર્શાવવામાં આવ્યા છે. હમણા અયોધ્યામાં રામ જન્મભૂમી પર રામ મંદિર બનાવવામાં આવ્યુ તેથી આ વખતે વિવિધ જગ્યાઓ પર તેજ પ્રકારનું ડેકોરેશન જોવા મળી રહ્યું છે.
વિન્ટેજ કારમાં ભગવાન ગણેશની શોભાયાત્રા: શહેરના ખોખરા બસ સ્ટેન્ડ પાસે અંકુશ યુવક મંડળ દ્વારા ભગવાન ગણેશને તેમના પિતા મહાદેવના રૂપમાં બતાવવામાં આવ્યા છે, અને સમગ્ર પંડાલનું ડેકોરેશન જંગલની થીમ ઉપર કરવામાં આવેલું છે. જ્યારે નહેરુનગર પાસે પણ અતિ ભવ્ય ગણેશ પંડાલ બનાવવામાં આવ્યું છે અને વિન્ટેજ કારમાં ભગવાન ગણેશની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
અંદાજિત નાના મોટા 800થી વધુ સાર્વજનિક ગણપતિના પંડાલો: હજુ પણ કેટલીક જગ્યાઓ પર ભગવાન ગણેશના પંડાલ બનાવવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અંદાજિત નાના મોટા 800થી વધુ સાર્વજનિક ગણપતિના પંડાલો અમદાવાદ શહેરની અંદર બનાવવામાં આવ્યા છે. આ વિવિધ થીમો પર આધારિત આ પંડાલોની અંદર ભગવાન ગણેશને અલગ અલગ સ્વરૂપમાં વિરાજમાન કરવામાં આવ્યા છે. સાથે તેમને સોના ચાંદીના ઘરેણાઓ પણ પહેરાવવામાં આવ્યા છે. આજથી દસ દિવસ સુધી આ ગણપતિ મહોત્સવ ચાલશે કેટલીક જગ્યાઓ પર ચાર દિવસે કેટલીક જગ્યાઓ પર સાત દિવસે તો કેટલીક જગ્યાઓ પર 10 માં દિવસે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.
આ પણ વાંચો: