ગાંધીનગર : કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાને લઈને રાજપૂત સમાજનો વિરોધ સતત વધતો જાય છે. રાજપૂત સમાજના કેટલાક કાર્યકરોની ધરપકડ કરતા નવા જૂની થવાના એંધાણ છે. રુપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજની નારાજગી વધુ ઉગ્ર બનતી જાય છે. ક્ષત્રિય સમાજની કેટલીક મહિલાઓએ આજે જોહરની ચીમકી આપી છે. તેથી રાજપૂતોના વિરોધની આશંકાને લઇ ગાંધીનગર કોબા ખાતે આવેલા પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
કમલમ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત : ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પોલીસની પીસીઆર વાહન અને પોલીસ જવાનો ચોકી કરી રહ્યા છે. રાજપૂત સમાજની મહિલાઓની ચીમકીને પગલે કમલમ પ્રદેશ કાર્યાલય પર પોલીસ બંદબસ્ત ગોઠવાયો છે. કમલમ પ્રદેશ કાર્યાલય જતા માર્ગના સર્વિસ રોડની બંને તરફ પોલીસે બેરિકેડ ગોઠવ્યા છે. સામાન્ય લોકોને સર્વિસ રોડ પર અવરજવર પર રોક લગાવાઇ છે.
જોહરની ચીમકી સામે પોલીસ સતર્ક : ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ફાયર બ્રિગેડના વાહનો પણ તહેનાત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં રાજપૂત સમાજને લઈને ઉભો થયેલો વિવાદ વધુ વેગ પકડતો જાય છે. ભાજપના હાઇકમાન્ડે રાજકોટની બેઠક પરશોત્તમ રુપાલાને યથાવત રાખતાં રાજપૂત સમાજ રોષે ભરાયો છે. બીજી તરફ રાજપૂત મહિલાઓએ આત્યંતિક પગલું લેવાની જાહેરાત કરતાં રાજપૂત મહિલાઓ આવેશમાં આવીને કોઇ અનિચ્છનિય પગલું ભરે નહીં તે માટે પોલીસ તહેનાત કરવામાં આવી છે.
પદ્મિનીબા વાળાનું અલ્ટીમેટમ પૂર્ણ : રાજપૂત સમાજની મહિલાઓએ આપેલી ચેતવણીને રોકવા માટે રાજ્ય સરકાર, ભાજપનું સંગઠન અને પોલીસને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં રાજપૂત સમાજની સાત મહિલાઓએ જે તૈયારીઓ કરી છે તેની પર વોચ રાખવામાં આવી રહી છે. બીજી તરફ પદ્મિનીબા વાળાનું 48 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થયું છે. સાત જેટલી ક્ષત્રિય મહિલાઓએ કમલમ કાર્યાલય સામે જોહરની આપેલી ધમકીના પગલે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. રુપાલા સામેનો વિરોધ વેગ પકડી રહ્યો છે. રાજપૂત મહિલાઓની ધીરજ ખુટી હોય તેમ તેમણે આક્રમક પગલાં ભરવાનું શરૂ કર્યું છે.