ગાંધીનગરઃ રાજ્યમાં હીટવેવ સંદર્ભે રાજ્ય સરકારે શ્રમિકોનું વેતન કાપ્યા વગર તેમને બપોરે ગરમીમાં આરામ આપવાની સૂચના દરેક વિભાગોને આપવામાં આવી છે. જો કે ગાંધીનગરમાં સચિવાલયની નજીક સરકારના નાક નીચે સરકારી આદેશનો ખુલ્લેઆમ ઉલંઘન થઈ રહ્યું છે. Etv ભારતની ટીમે ગાંધીનગરમાં ચાલતા સરકારે કામોમાં સરકારના આદેશનો પાલન થઈ રહ્યું છે કે નહીં તે અંગે રિયાલિટી ચેક કર્યું હતું. આ રિયાલિટી ચેકમાં ખૂબ જ ચોકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે.
ખુલ્લેઆમ સરકારી આદેશનું ઉલ્લંઘનઃ "જાણે વાડ જ ચીભડા ગળતી હોય" તેમ સરકારના કામોમાં જ સરકારના આદેશનું ખુલ્લેઆમ ઉલંઘન થઈ રહ્યું છે. ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કામ તેના અંતિમ તબક્કામાં છે. મોટાભાગની મેટ્રો લાઈન અને ટ્રેક નખાઈ ગયા છે. મેટ્રો સ્ટેશનનું કામ અંતિમ ચરણમાં ચાલી રહ્યું છે. ગાંધીનગરમાં ચ-2 સર્કલ પાસે આવેલા મેટ્રો સ્ટેશનના કામમાં બપોરે 12થી 4 કલાક દરમિયાન ધોમધખતી ગરમીમાં પણ શ્રમિકો કામ કરી રહ્યા છે. બપોરે સવા ત્રણ થી સાડા ત્રણ વચ્ચે ધગધતી ગરમી અને લુ વચ્ચે શ્રમિકો હાઇડ્રોલિક ટ્રોલી અને જેસીબી મશીન સાથે કામ કરી રહ્યા છે. મેટ્રો સ્ટેશનમાં શ્રમિકો 40, 50 ફૂટ ઉપર હાઈડ્રોલિક પર બેસીને કલર કામ અને પાણીની પાઇપલાઇનનું ફીટીંગ કામ કરી રહ્યા છે. આ કલર કામ અને પાણીનું લાઈનનું ફીટીંગ સહિતના અન્ય કામ કરતા શ્રમિકને જુઓ ગરમી અને લુને કારણે ચક્કર આવીને નીચે પડકાય તો જીવલેણ ઇજા થવાની સંભાવના છે. આમ શ્રમિકો જીવના જોખમે મેટ્રોનું કામ કરી રહ્યા છે. સરકાર પોતાના જ સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું.
5 દિવસ હીટવેવઃ રાજ્યમાં તા. 22મે થી 5 દિવસ સુધી મોટાભાગના જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિની સંભાવના છે. આગામી દિવસોમાં ઉષ્ણ લહેરની હવામાન ખાતાની આગાહીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા સંબંધિત તમામ વિભાગ અને કચેરીઓને ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ, મનરેગા સાઇટ તથા અન્ય સાઇટ કે જ્યાં શ્રમિકો કામ કરતા હોય તેવી તમામ સાઈટ પર બપોરે 12થી 4 કલાક દરમિયાન કામગીરી લેવામાં ન આવે તથા આ સમય માટે શ્રમિકોનું વેતન કપાત કરવામાં ન આવે તેવી સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સંબંધિત તમામ કચેરીઓ દ્વારા હીટ સ્ટોકથી એટલે કે "લૂ લાગવાથી" બચવા માટેના તમામ જરૂરી પગલાં લેવામાં આવે અને લોકોને આ બાબતે જાગૃત કરવામાં આવે તેમ પણ જણાવ્યું છે.