ગાંધીનગરઃ શહેરના સેકટર 12માં રહેતા ક્લાસ વન અધિકારી પાસે અપરણ કરીને ખંડણી માંગવામાં આવી હતી. ક્લાસ વન અધિકારીના અપરણથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને સવાલ ઊભા થયા છે. મદદનીશ ઉદ્યોગ કમીશનર આર.કે. વસાવા પાલનપુર ખાતે ફરજ બજાવે છે. તેઓ ગાંધીનગર ખાતે સેક્ટર 12 માં રહે છે. તેઓ આજે બપોરેના સમયે થોડા કામથી હિંમતનગર જઇ રહ્યા હતા. ગાંધીનગર પાસે અપહરણકર્તાઓએ તેમની ગાડીને આંતરીને તેમનું અપહરણ કરી લીધું હતું. ગાંધીનગર નજીકથી ક્લાસ વન અધિકારીનું અપહરણ થતાં અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
પોલીસે કરી સત્વરે કામગીરીઃ આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ હતી. પોલીસને માહિતી મળી હતી કે અપહરણ કર્તાઓ વિજાપુર-માણસા તરફ ગયા છે. તો અપહરણકર્તાઓનો પીછો કરીને પોલીસ તેમની પાસે પહોંચી ગઇ હતી અને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન અપહરણ કર્તાઓની કાર સાથે પોલીસની કારની ટક્કર વાગી હતી. પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને ક્લાસ વન અધિકારીને અપહરણ કર્તાઓની ચંગૂલમાંથી મુક્ત કરાવ્યા હતા. અને અપહરણ કર્તાઓને પણ દબોચી લીધા હતા. અપહૃત મદદનીશ ઉધોગ કમિશનર વસાવા પાંચ દિવસ બાદ નિવૃત થઇ રહ્યા છે.
હું હિંમતનગર દવાખાને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મારી કાર આગળ એક કાર ઊભી રહી ગઈ. તેઓ મને કારમાં અપહરણ કરીને પ્રાંતિજ, વીસનગર, ગોઝારિયા જેવા વિવિધ સ્થળોએ ફેરવતા રહ્યા. આ લોકો મારી પાસે 25 લાખ રુપિયાની ખંડણી માંગતા હતા...આર. કે. વસાવા(મદદનીશ ઉદ્યોગ કમિશનર, પાલનપુર)
ચિલોડા પીઆઈએ તાત્કાલિક બિનવારસી ગાડી વિશે અમને જાણ કરી હતી. અમે સત્વરે વસાવાના સેક્ટર 12ના ઘરે જઈને તપાસ કરતા માલૂમ પડ્યું કે અધિકારીનું અપહરણ થયું છે. તેથી અમે સ્તવરે કામગીરી હાથ ધરી હતી. ક્લાસ વન અધિકારી વસાવાને અપહરણકર્તાઓ પાસેથી છોડાવવામાં સફળતા મળી હતી...રવિ તેજા વાસમશેટ્ટી (એસપી, ગાંધીનગર)