ગાંધીનગર : કોંગ્રેસના નેતાઓ એક પછી એક પાર્ટી છોડી રહ્યા છે. આ પરંપરા સતત આગળ વધી રહી છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના બે કોર્પોરેટરોએ રાજીનામું આપતા ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસમુક્ત બની છે. અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામાનો પત્ર પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહને મોકલ્યો છે.
શક્તિસિંહને લખ્યો પત્ર : બંને કોંગી કોર્પોરેટરોએ રાજીનામાનો પત્ર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને મોકલી આપ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે હું અંકિત અશ્વિનકુમાર બારોટ વિપક્ષ નેતા, ગાંધીનગર મહાનગરપાલિકા, કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. કોંગ્રેસ પક્ષની તમામ જવાબદારીમાંથી મુક્ત થાઉં છું. અંકિત બારોટે વધુમાં જણાવ્યું કે કોર્પોરેશનમાં પક્ષાંતર ધારો લાગુ પડતો ન હોવાથી અમારું પદ સલામત રહેશે. અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. કોર્પોરેટર પદે ચાલુ રહીશું. આમ બંને કોર્પોરેટરોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે પણ કોર્પોરેટર પદે ચાલુ રહેશે.
આવતીકાલે બંને કોર્પોરેટરો કેસરિયા કરશે :કોંગ્રેસના બંને કોર્પોરેટરો આવતીકાલે કેસરિયા કરશે. તેઓ ગાંધીનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરશે. બંનેએ જણાવ્યું કે અમે બંને કોર્પોરેટરો ભાજપમાં જોડાઈશું.
અમારા વોર્ડના વિકાસ માટે ભાજપમાં જોડાયા : કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ બંને કોર્પોરેટરોએ જણાવ્યું કે અમારા વોર્ડમાં વિકાસના કામો ન થતા હોવાથી અમે ભાજપમાં જોડાઈએ છીએ. બંને કોર્પોરેટરોએ પક્ષ પલટાનો લૂલો બચાવ કર્યો હતો. ભાજપમાં ભળવાથી અમારા વિકાસના કામો ઝડપથી થશે. કોંગ્રેસમાં હોવાથી ક્યાંકને ક્યાંક મર્યાદાઓ નડતી હતી. અમે ચાર પાંચ દિવસ લોકો વચ્ચે ગયા ત્યારે વોર્ડના આગેવાનોએ ભાજપમાં જોવા જોડાવાનું જણાવ્યું હતું.
એક સમયે ગાંધીનગર જિલ્લો કોંગ્રેસનો ગઢ હતો : એક સમયે સમગ્ર ગાંધીનગર જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. પરંતુ હવે ધીરે ધીરે કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં ચૂંટાયેલા બે કોર્પોરેટરે રાજીનામું આપતા મહાનગરપાલિકા કોંગ્રેસમુક્ત બની છે.
બંને કોર્પોરેટરો પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડાના સમર્થક : ભાજપ દ્વારા આ બંને કોર્પોરેટરો સાથે છેલ્લા થોડા દિવસોથી બેઠક કરવામાં આવી હતી અને તેમાં ભાજપને સફળતા મળી છે. વિજાપુરના ધારાસભ્ય તરીકે સી.જે ચાવડાએ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં ભળી ગયા હતા અને તેમના ટેકેદારો તરીકે ગણાતા આ બંને કોર્પોરેટરો હવે ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ મેળવી લેશે.
મનપામાં ભાજપનું સંખ્યાબળ 43 કોર્પોરેટરનું થયું : ગાંધીનગર મનપામાં વિપક્ષમાં ફક્ત એક જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રહેશે. જેને પણ આગામી દિવસમાં ભાજપ દ્વારા સમાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. જેથી ગાંધીનગર મહાનગરપાલિકામાં આગામી સમયમાં કોઈ વિપક્ષ જ નહીં રહે તેવી સ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નહીં. હાલ 44 પૈકી 41 કોપોરેટર ભાજપના છે ત્યારે બે કોંગ્રેસના કોર્પોરેટરો ભાજપમાં ભળી જાય તો સંખ્યાબળ 43નું થશે.