રાજકોટ: હવામાન ખાતાએ કરેલી કમોસમી વરસાદ અને માવઠાની આગાહીએ એક તરફ ખેડૂતોને હેરાન-પરેશાન કરી મુક્યા છે તો બીજી તરફ ગંજ-બજારમાં શાકભાજીનો વેપલો કરતા દલાલો અને વેપારીઓમાં ક્યાંક તેજીની આશા જગાડી છે. પાછલા ત્રણેક દિવસોમાં માવઠા અને કમોસમી વરસાદને કારણે ગંજબજારનાં રાજકોટ સ્થિત બે માર્કેટિંગ યાર્ડ - બેડી માર્કેટિંગ યાર્ડ અને પેડક સબ યાર્ડમાં જણસોની આવક પર અસર કરી છે. માર્કેટયાર્ડનાં ચેરમેન જયેશભાઈ જી. બોઘરાએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, જેમાં શાકભાજીની આવકમાં અસર વર્તાઈ છે પણ અનાજ, મસાલા, તેલીબિયાં વગેરેની આવકમાં કોઈ બહુ મોટો ફરક જોવા નથી મળ્યો.
વેપારીઓને બન્ને તરફથી માર પડે છે: માવઠાને કારણે શાકભાજીની આવક પર અસર વર્તાશે તેવી દહેશત સાથે છૂટક વેંચાતું શાકભાજી મોંઘુદાટ થઈ ગયું હોવાથી અને મોંઘા શાકભાજીની ઘરાકી મજબૂત ન હોવાથી અંતે એ શાકભાજી કોહવાઈ જતા ફેંકી દેવું પડે છે કે ઢોરઢાખરને ખવડાવી દેવું પડે છે અને આમ ગંજ-બજાર તેમજ છૂટક શાકભાજીનો વેપાર કરતા વેપારીઓને બન્ને તરફથી માર પડે છે.
ગંજબજારમાં શાકભાજીનાં વેપારમાં મંદી: વેકેશનનો માહોલ હોવાને કારણે શાકભાજીમાં જોઈએ તેવો ઉપાડ પણ નથી, બીજું કે ગામડે-ગામથી શહેરોમાં વેકેશન માણવા આવતા પરિવારો તેમનાં ખેતરેથી તાજી શાકભાજીનો ઉતારો લઈ આવતા, તેમજ વેકેશનનો માહોલ હોવાને કારણે હોસ્ટેલમાં વિદ્યાર્થીવર્ગ માટેની જે શાકભાજીની ખપત હોય છે તે પણ નબળી હોવાને કારણે પણ ગંજબજારમાં શાકભાજીનાં વેપારમાં મંદી પ્રવર્તી રહી હોવાનું વેપારીઓએ ETV ભારત સાથેની વાતચીતમાં કબુલ્યું છે.
છૂટક ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે: એક તરફ શાકભાજીનો પુરવઠો છે પણ વધતા જતા તાપમાનને કારણે ગુણવત્તા વાળું શાક ન હોવાથી શાકભાજીની લારી કાઢતા ફેરિયાઓ કેરી, સક્કરટેટી અને તરબૂચનાં વેચાણ તરફ વળ્યાં છે જેમાં તેજીનો માહોલ પ્રવર્તી રહ્યો છે, તો બીજી તરફ માવઠાની દહેશતથી શાકભાજીનો પુરવઠો અસર પામ્યો હોવાની વાતને સમથાન મળતા શાકભાજીનાં છૂટક ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે, એવામાં કેરીની મૌસમમાં લીલોતરી શાકની જગ્યા બટેટાએ લઈ લીધી હોવાને કારણે બટેટાનાં ભાવમાં તેજી જોવા મળી છે.
શાકભાજીનાં ભાવોમાં તેજી જોવા મળશે: આવા ગંજ-બજારમાં મંદી અને છૂટક બજારમાં તેજીનાં માહોલની વચ્ચે વેપારીઓને ક્યાંક આશા છે કે માવઠાની અસરને કારણે જો પુરવઠો તૂટ્યો તો ગંજબજારમાં પણ શાકભાજીનાં ભાવોમાં તેજી જોવા મળશે અને એવી પરિસ્થિતિમાં છૂટક બજારમાં પણ તમારી થાળીમાં આવનારી ભીંડા, ફલાવર, રીંગણા, દૂધીનાં શાકની વાટકીમાં પાડનારું શાક મોંઘુ થવાની પ્રબળ શક્યતાઓ છે.