ભાવનગર: ભારતમાં હિન્દુ ધર્મના વ્રતોનો પ્રારંભ ગૌરીવ્રતથી થાય છે. જેને ગુજરાતમાં મોળાકત તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ આ વ્રતના પ્રારંભથી જ બજારમાં ફળો મોંઘા થઈ જાય છે, ત્યારે સૌથી નાની બાળાઓના વ્રતથી જ ફળો મોંઘા થવાને કારણે સામાન્ય માણસના ઘરનું બજેટ વિખેરાય છે અને દીકરીઓની વ્રતમાં તેને ખુશ કરવા માટે ફળોની ખરીદી કરવી મુશ્કેલ બને છે. કારણ કે આ વ્રતમાં બાળકીઓ વધુમાં વધુ ફળો અને સુકા મેવાને આરોગે છે.
વ્રતોના પ્રારંભમાં ફળો થઈ ગયા મોંઘાદાટ: ગુજરાતમાં ગૌરીવ્રત એટલે કે મોળાકતનો પ્રારંભ થયો છે. નાની બાળાઓ ગોરમાની પૂજા કરીને પાંચ દિવસ સુધી મોળું (મીઠા વગરનું) ખાઈને દિવસ વિતાવે છે. ત્યારે માતા-પિતા પોતાની નાની દીકરીઓને ફળોનું સેવન કરાવતા હોય છે. પરંતુ વ્રતના પ્રારંભે બજારમાં ફળો મોંઘા થઈ ગયા છે. ત્યારે વ્યાપારી કિશનભાઈએ જણાવ્યું હતું કે ફળોની આવક બહુ ઓછી છે. અને લેવાવાળા વધારે છે. એટલે સહેજ તો મોંઘું રહેવાનું. છોકરીના વ્રત આવે એટલે બધા લેવા આવે, મોંઘું તો મોંઘું લેવું તો પડે જ. હવે ચીકુના 60 રુપિયા, લીલી ખારેકના 80 રૂપિયા અને આલુ બદામ (રાસબરી)ના 120 રૂપિયા જેપહેલા 100 રૂપિયા હતા. તો સાથે કેળાના ભાવમાં પણ 20 રૂપિયાનો વધારો થયો છે. જે કેળાના ભાવ 40 રૂપિયા હતા, તે 60ના થયા છે. એટલે ફળોના ભાવમાં 10 થી 20 ટકાનો વધારો થયો છે.
ફળો મોંઘા થવાથી ગૃહિણીઓનો આક્રોશ: મોળાકત વ્રતમાં નાની બાળાઓને પાંચ દિવસ સુધી મીઠા વગરનું મોળું ખાવાનું હોય છે, તેને કારણે માતા-પિતા ફળોની ખરીદી કરીને તેનો દિવસ વિતાવવાની કોશિશ કરતા હોય છે. ત્યારે ફળ ખરીદવા આવેલા ગૃહિણી પ્રીતિબેન અનિલભાઈ ગજ્જરે જણાવ્યું હતું કે હવે મારુ કહેવાનું એમ છે કે મોળાકતનો ઉલ્લાસ તો દીકરીઓને હોય જ છે. સાથે સાથે માઁ બાપને પણ હોય છે. આ વ્રતમાં અત્યારે દીકરીઓને એકટાણા કરવાના હોય છે. ત્યારે તો ફરાળની જરૂર તો પડે જ છે. તેમાં ફ્રુટના ભાવમાં વધારો થાય છે, અત્યારે મંદી છે. નાના માણસોને લેવું હોય અને દીકરીઓને ખવડાવું હોઈ તો શુ કરે.
મારું એવુ માનવું છે કે ઉપરથી ભાવ ઓછા રાખે તો વ્યાપારીને પણ સરળ રહે. અને લોકોને પણ સસ્તું મળી રહે અને લોકો દીકરીઓને ખવડાવી શકે. એટલે દીકરીઓ માટે તંત્રને નિવેદન છે કે ફ્રુટના ભાવ ઓછા કરે. મોળાકત છે તો દીકરીઓને મોળું ખાવાનું હોઈ તો મા બાપ ફ્રૂટ જ ખવડાવે પણ આવા ભાવમાં શુ ખવડાવે, એટલે નિવેદન છે કે ફ્રુટના ભાવ ઓછા કરવામાં આવે.
ફળોના વધતા ભાવ પાછળ કારણો શુ: સમગ્ર ગુજરાત નહી પરંતુ ભારતમાં ગૌરીવ્રત એટલે કે મોળાકતના પ્રારંભથી જ ફળોના ભાવમાં વધારો જોવા મળે છે. ભાવનગરમાં પણ ફળોમાં 10 થી 20 ટકાનો વધારો થયો છે. જો કે તેની પાછળનું કારણ સ્થાનિક નાના વ્યાપારીઓ માંગ વધી જવાને કારણે ભાવ ઉંચા જતા હોવાનું જણાવ્યું છે. જો કે આવક ઓછી હોય અને માંગ વધુ હોવાને પગલે ભાવ ઉચકાઈ જાય છે. વ્રતના પ્રારંભથી જ ફળોના ભાવ ઉચકાવાની પરંપરા બની ગઈ હોય તેમ જરૂર લાગે છે.