જુનાગઢ: આજે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ છે, આજના દિવસે મિત્રતાના કિસ્સા ઉજાગર થતા હોય છે, અનેક એવી ઘટના કે જે મિત્રતા સાથે જોડાયેલી હોય જે આજના દિવસે પ્રકાશમાં આવતી હોય છે. આવો જ એક કિસ્સો જુનાગઢમાંથી પણ જાણવા અને જોવા મળ્યો છે. મૂળ દિલ્હીની પરંતુ હાલ ઘણા સમયથી જૂનાગઢમાં રહેતી રુચિકા અરોરા અરાઉન્ડ અ ટ્રી સંસ્થામાં રહેલી 28 જેટલી બિલાડીઓને મિત્ર તરીકે સ્વીકારીને આજે બિલાડી પ્રત્યે મિત્રતાની ભાવના પ્રદર્શિત કરે છે. બિલાડીઓ પણ તેને એક સાચા મિત્રની માફક માને છે રુચિકા અરોરા દિવસ દરમિયાન બિલાડીઓ સાથે તેની દિનચર્યાનું સમયપત્રક બનાવીને પ્રાણી સાથે પણ ખૂબ જ ગાઢ અને સાચી મિત્રતા કરી શકાય છે તેને પ્રસ્થાપિત કરે છે.
દિવસભર બિલાડીઓ સાથે ઓત પ્રોત
દિલ્લીની રુચિકા અરોરા બિલાડીઓ સાથે તેની દિનચર્યાને એડજસ્ટ કરીને પ્રાણી સાથે પણ ગાઢ મિત્રતા નિભાવી શકાય છે તેનું દ્રષ્ટાંત પૂરું પાડી રહી છે. દિવસ દરમિયાન 18 કલાક માત્ર ઊંઘતી બિલાડીઓ સાથે ચાર કલાક મિત્રતાનો આ સંબંધ આજે અતૂટ બંધને બંધાયેલો જોવા મળે છે. બિલાડીઓને ખવડાવવાની સાથે તેને શારીરિક મસાજ આપવાનો તેમજ બિલાડીઓ સાથે રમત રમીને તેને પ્રવૃત્તિશીલ રાખવાની સાથે રૂચિકા અરોરા બિલાડીની પાઠશાળા સમાન બિલાડીઓનું હાજરી પત્રક પણ બનાવ્યું છે. જેમાં દરરોજ બે વખત કેટ હાઉસમાં રહેલી તમામ બિલાડીઓની હાજરી પણ નોંધવામાં આવે છે રુચિકા અરોરા આજે બિલાડીઓની સાથે રહે છે જે તેની પ્રાણી પ્રત્યેની નિસ્વાર્થ ભાવની મિત્રતા ને પણ પ્રદર્શિત કરે છે.
બિલાડીઓ એકલતા ને કરે છે દૂર
રુચિકા અરોરા માને છે કે આજના સમયમાં એકલતા ખાસ કરીને મહાનગરોમાં સૌથી ઝડપથી ફેલાઈ રહેલી એક મહામારી સમાન માનવામાં આવે છે. પ્રાણીઓ સાથેની મિત્રતા કોઈપણ વ્યક્તિને પ્રવૃત્તિ શીલ રાખીને એકલતાથી દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ બિલાડી સાથેની મિત્રતા એક એવી મિત્રતા છે કે જે કોઈપણ વ્યક્તિને એકલતાથી ખૂબ ઝડપથી દૂર કરી આપે છે બિલાડી સ્વભાવે મસ્તીખોર હોવાને કારણે પણ પાલતુ પ્રાણીઓમાં બિલાડી સાથેની મિત્રતા સૌથી વધારે જોવા મળે છે. જેનો અનુભવ તેણે પોતે ઘણા વર્ષોથી કર્યો છે જેને કારણે તે આજે પણ પોતાની જાતને બિલાડીઓથી દૂર કરી શકતી નથી.